(સંવાદદાતા દ્વારા)
મોટામિયામાંગરોળ, તા.૫
૧પ૬- માંગરોળ વિધાનસભા દ્વારા આજે તા.પના માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે સુરત જિલ્લાનાં ચૂંટાયેલા ધારાસભ્યોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
સુરત જિલ્લા ભાજપનાં પ્રમુખ દિલીપસિંહ રાઠોડે સ્વાગત પ્રવચન કરી સમારંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બારડોલીના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું કે રાજ્યના છેવાડાના નાગરિક સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે એ માટે સરકારના સતત પ્રયાસો રહ્યાં છે.
માંગરોળ વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અને રાજ્યના વનમંત્રી ગણપતસિંહ વસાવાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે વિધાનસભા ર૦૧૭ની ચૂંટણી ભાજપ માટે એક મોટો પડકાર હતો છતાં ૧પ૬-માંગરોળ વિધાનસભાના મતદારોએ આ બેઠક ભાજપને આપી એક ઉત્સવ મનાવ્યો છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતસિંહ પરમારે જણાવ્યું કે સતત છઠ્ઠી વખત ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે જે વિકાસને આભારી છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગણપતસિંહ વસાવા ઈશ્વરભાઈ પરમાર, ઝંખનાબેન પટેલ, મોહન ઢોડીયા, મુકેશ પટેલ, વી.ડી. ઝાલાવાડિયા વગેરેનું સન્માન કરાયું હતું જ્યારે વનમંત્રી ગણપતસિંહ વસાવાનું વિધાનસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ તમામ કોમના પ્રતિનિધિ મંડળોએ સન્માન કર્યું હતું. કાર્યક્રમમાં દિલીપસિંહ રાઠોડ, સુરેશભાઈ પટેલ, જિલ્લાના ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો રાજુભાઈ પાઠક, રીતેશભાઈ વસાવા, રાકેશભાઈ સોલંકી, દેવેન્દ્રસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખૈરે કર્યું હતું.