(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૩
ગુજરાતની ભાજપ સરકાર વિવિધ યોજનાઓ જાહેર કરીને તેમજ પોતાની સિદ્ધિઓની ગાઈ-વગાડીને વારે ઘડીએ જાહેરાતો કરી ગુલબાંગો પોકારતી રહે છે. પરંતુ ખરેખર હકીકતમાં સરકારની યોજનાઓની શી સ્થિતિ છે ? લોકોને સહેલાઈથી તેનો લાભ મળી રહ્યો છે કે પછી ધરમ-ધક્કા ખાવા પડે છે તે સહિતની પ્રજાકીય હાડમારીની સત્યતા જાણવાનો પ્રયાસ સુદ્ધાં કરતો નથી અને મોટા ઉપાડે પબ્લિસિટી કરાતી જ રહે છે. એટલે કે સરકાર બધું બરાબર છેના મદમાં જ રાચતી રહે છે અને પરિસ્થિતિ કંઈક ઓર જ હોય છે. આવું જ રાજ્ય સરકારની વર્ષો જૂની એવી વિધવા સહાય યોજના અને વૃદ્ધા સહાય યોજના સાથે થયું છે. છેલ્લા ઘણાં સમયથી આ બંને યોજનાઓ તેમાં પણ ખાસ વિધવા સહાય યોજનાની લાભાર્થી મહિલાઓને સહાય ચૂકવાતી નથી અને તેઓને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ યોજના બંધ થઈ કે કેમ તેવા પ્રશ્નો પણ ઊભા થવા પામ્યા છે ત્યારે આ સહાય ન મળવાના મૂળ કારણમાં સરકારની નાણાકીય ભીંસ હોવાનું અને તેને લઈ સહાય આપવાનું સ્થગિત કરાયું હોવાની વિગતો પ્રાપ્ત થવા પામી છે. વર્ષોથી ચાલતી રાજ્ય સરકારની આ વિધવા બહેનો માટેની તથા વૃદ્ધા બહેનોની સહાય યોજનાઓની લાભાર્થી બહેનોને છેલ્લા ઘણા સમયથી સહાયની રકમ મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. આ લાભાર્થીઓ પૈકી કેટલીક બહેનોને તો દોઢેક વર્ષથી તો કેટલાયને છ મહિનાથી એક વર્ષ સુધીના સમયથી માસિક સહાય મળી નથી. સહાય માટે આ બહેનો પોસ્ટ ઓફિસ, બેન્ક અને તે પછી મામલતદાર કચેરીથી કલેક્ટર કચેરી સુધી ધરમ-ધક્કા ખાઈ રહ્યા છે. વિધવા બહેનોને સરકાર દ્વારા છેલ્લો વધારો કરાયો ત્યારથી માસિક રૂા.૧૦૦૦ની સહાય ચૂકવવામાં આવે છે. પતિના અવસાન બાદ આર્થિક ટેકો આપનાર કોઈ ના હોઈ માત્ર આ સહાય ઉપર જીવન નિર્વાહ કરનાર વિધવા બહેનોની તો સ્થિતિ કફોડી બનવા પામી છે. એક તરફ રાજ્યની ભાજપ સરકાર ઉત્સવો-ઉજવણીઓ અને જાહેરાતો-પબ્લિસિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે અને બીજી તરફ આવી ગરીબ લાભાર્થી બહેનો જે નજીવી રકમમાં જીવનનિર્વાહ કરે છે તેઓને તેનાથી પણ વંચિત રાખવામાં આવી રહી છે તે અત્યંત દુઃખદ અને અમાનવીય બાબત કહી શકાય. આ યોજનાઓ સ્થગિત થવા બાબતે સરકારી સૂત્રો પાસેથી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ખરેખર તો સરકાર હાલ નાણાકીય ભીંસમાં ચાલી રહી હોઈ તેના કારણે સહાય ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે હવે આ ગરીબ નિઃસહાય બહેનો માટે રાજ્ય સરકાર તાકીદે વ્યવસ્થા કરે તેવી તેઓની માગણી અને લાગણી છે. વિધવા બહેનોના જ મુખે સાંભળીએ તો અમદાવાદના શાહઆલમમાં રહેતા જમીલાખાતુન એમ. શેખને દોઢ-બે વર્ષથી સહાય મળતી નથી. અગાઉના વર્ષોમાં પણ તેમને નિયમિત સહાય મળી ન હોવાની ફરિયાદ તેમણે કરી હતી. જેતલપુરના દક્ષાબેન (ઉ.વ.૪પ), જમાલપુરના મનસુરીબેન સહિત ઘણી વિધવા બહેનો સહાય ન મળતાં ધક્કા ખાઈ રહી હોવાનું જણાવે છે. તો બીજી તરફ નવી અરજી કરનાર વિધવા બહેનોનું તો પૂછવું જ શું ? આવી નવી અરજકર્તા બહેનો બે-ત્રણ-ચાર મહિનાથી સહાય માટે રાહ જોઈ ઓફિસના ધક્કા ખાઈ રહી છે. સહાય ચાલુ થવામાં પણ વિલંબ થવાની ફરિયાદો ઉઠતી રહે છે.