(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૧
આણંદ જિલ્લાના વલ્લભવિદ્યાનગરમાં નાના બજાર વિસ્તારમાં પંચાયત ઓફિસ નજીક ઘડિયાળ રિપેરિંગની દુકાનમાં ઘડિયાળ રિપેરિંગનો ધંધો કરતાં યુવક પર મોટરસાઈકલ લઈ આવેલા બે અજાણ્યા શખ્સોએ એસિડ ફેંકતાં પ્રૌઢ ગંભીર પણે દાજી જતાં તેઓને ત્વરીત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મળતી વિગતો અનુસાર બાકરોલના રામભાઈ કાકા માર્ગ પર આત્મીયદર્શન સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ કનુભાઈ સુથાર (ઉ.વ.૪૦)ની વલ્લભવિદ્યાનગરના નાના બજારમાં પંચાયત ઓફિસ નજીક મહાલક્ષ્મી વોચ સર્વિસ નામની ઘડિયાળ રિપેરિંગની દુકાન આવેલી છે. ગતરાત્રીના દસ વાગ્યાના સુમારે ઘનશ્યમાભાઈ પોતાની દુકાન બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા ત્યારે મોટરસાઈકલ લઈ આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ આવી ઘડિયાળ રિપેર કરવાની છે તેમ કહી તેઓને ઘડિયાળ આપતા ઘનશ્યામભાઈ ઘડિયાળ જોઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સોએ અચાનક ઘનશ્યામભાઈ પર જલદ એસિડ રેડી ભાગી જતા ઘનશ્યામભાઈએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. એસિડના કારણે ગંભીરપણે દાજી ગયેલા ઘનશ્યામભાઈને ત્વરીત સારવાર માટે ૧૦૮ની એમ્બ્યુલન્સ વાનમાં કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અજાણ્યા શખ્સોએ એસિડ ફેકવાના કારણે ઘનશ્યામભાઈ છાતી, પેટ અને બંને હાથ પર દાઝી ગયા હતા તેમજ ડાબી આંખ ઉપર એસિડ પડવાના કારણે તેઓની ગંભીર ઈજા થઈ હતી. જેથી આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસે જીતેન્દ્રકુમાર કનુભાઈ સુથારની ફરિયાદના આધારે બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.