(એજન્સી) હૈદરાબાદ, તા.૧૯
મુસ્લિમોને બદનામ કરવાની એક ઘટના સામે આવી છે. હૈદરાબાદમાં આરટીસી બસોમાં બુરખો પહેરી પી.અર્ચના નામની એક પીજીની વિદ્યાર્થિની લોકોના ખિસ્સા હળવા કરતી ઝડપાઈ ગઈ છે. તેની પાસેથી ૮.૬ તોલા સોનું રૂા.ર.૬ લાખ, ચાંદીના દાગીના, રોકડ અને કિંમતી વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે. ઝડપાયેલ યુવતી ર૭ વર્ષની પી.અર્ચના મેડક જિલ્લાની છે તે ઓસ્માનિયા યુનિ.માં પીજી (સાયકોલોજી)નો અભ્યાસ કરે છે. તેણી બુરખો પહેરી બસોમાં પ્રવાસ સમયે પ્રવાસીઓના ખિસ્સા હળવા કરતી હતી. તેણી ખૂબ જ વ્યસ્ત બસ સ્ટેન્ડોએ ઊભેલા મુસાફરોને બસમાં ચડતી વખતે નિશાન બનાવતી હતી. બસમાં તેણી મુસાફરોની બેગો અને દાગીના સેરવી લેતી હતી અને બસમાંથી તરત જ ઉતરી જતી હતી તેમ પોલીસવડા એ.વ્યંકટેશ્વર રાવે જણાવ્યું હતું. બસોમાં ચોરીઓ વધતા ફરિયાદો બાદ પોલીસે જાપ્તો ગોઠવી પી.અર્ચનાને ઝડપી લીધી હતી. તેણી ઈસ્લામી કે પરંપરા મુજબ બુરખો પહેરી ચોરીઓને અંજામ આપતી હતી. પોલીસે તેની સામે કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી રિમાન્ડ લીધા છે.