(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૫
શહેરના ન્યુ વી.આઇ.પી. રોડ પર ખોડિયારનગરમાં રહેતી ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પરીક્ષાના ડિપ્રેશનમાં આવી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જેને પગલે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, ખોડિયારનગર પાસે આવેલ આમ્રવિલા સોસાયટીમાં રહેતા કમલેશભાઇ ખત્રીને ૧૬ વર્ષની દીકરી મહિમા નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યુ ઇરા સ્કૂલમાં ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. આજથી તેની પરીક્ષા ચાલુ થનાર હતી. જેથી મોડીરાત્રે પોતાના રૂમમાં અભ્યાસ કરી રહી હતી. તે દરમ્યાન બાથરૂમમાં જઇ લોખંડના એંગલ પર ઓઢણી બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આજે વહેલી સવારે તેના દાદા દિલીપભાઇએ સ્કૂલમાં જવા માટે મહિમાને ઉઠાવવા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ રૂમમાંથી કોઇ જવાબ નહીં આવતા તેમને બાથરૂમની બારી પાસે જઇને અંડર જોતા તેઓ હેબતાઇ ગયા હતા. પૌત્રીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા બૂમાબૂમ મચાવી મૂકતા પરિવારજનો અને સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. દરવાજો તોડીને મહિમાની લાશ બહાર કાઢી હતી. બનાવની જાણ હરણી પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. મહિમાની આજથી શાળાની પરીક્ષા શરૂ થતા ડિપ્રેશનમાં આવી તેને આ પગલું ભર્યું હોવાનું પોલીસ તેમ માણી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલનું ભણતર વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપે તેવું હોવાથી અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષાના ડરથી આપઘાત કર્યા હોવાના કિસ્સા ભૂતકાળમાં બન્યા છે. તેમ છતાં સરકાર પરીક્ષાની પદ્ધતિમાં સુધારો કરતી નહીં હોવાથી વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.