લંડન, તા. ૧૭
બ્રિટનના સૌથી ગરીબ વિસ્તારોમાંથી એકમાં હેડમાસ્ટર બનવા માટે મોહસીન ઇસ્માઇલ નામની વ્યક્તિએ લંડનમાં છ આંકડાની સેલેરીને પડતી મૂકી દીધી છે. શાળાના ઇન્ચાર્જ બનતા જ તેમણે ૯૫ ટકા વિદ્યાર્થીઓને બ્રિટનની ટોચની યુનિવર્સિટીઓમાં મોકલ્યા છે. ૩૮ વર્ષના ઇસ્માઇલે પૂર્વ લંડનની ન્યૂહામ નામની સામાન્ય શાળામાં કામ કરવા માટે નોર્ટન રોઝ ફૂલ બ્રાઇટ નામની આંતરરાષ્ટ્રીય કાયદાકીય સંસ્થાની નોકરી ફગાવી દીધી હતી. તેમના પ્રથમ વર્ષના ગાળામાં જ ૨૦૦માંથી ૧૯૦ વિદ્યાર્થીઓને રસેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા લાયક બનાવી દીધા હતા જેમાંથી નવને તો ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઓફર આવી હતી. આ વિદ્યાર્થીઓમાં અમેરિકાના એમઆઇટીની તાફસિયા સિકદરનો પણ સમાવેશ થાય છે. કેટલાક વિદ્યાર્થીઓને અબુધાબીની વ્હાઇટ એન્ડ કેસ એલએલપી નામની કાયદાકીય કંપનીમાં જોબની ઓફર પણ મળી હતી.
ઇસ્માઇલને લાખોની નોકરી છોડી ટીચર બનવાનો વિચાર એ રાતે આવ્યો જ્યારે તેઓ ૫૦ મિલિયન પાઉન્ડની બેન્કિંગની નોકરી કરવા માટે તૈયારી કરી રહ્યા હતા. તેઓ વિચારી રહ્યા હતા કે, આટલી મોટી ડીલ થવા છતાં તેઓ સમાજને શું ફાયદો પહોંચાડી શકશે. ત્યારબાદ ઇસ્માઇલે પોતાની નોકરીની ઓફરને ઠુકરાવી દીધી હતી. તેઓ લંડનમાં એક મોટી કંપનીમાં બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીમાં કાયદાકીય વકીલ તરીકે છ આંકડાની સેલેરી લઇ રહ્યા હતા. હાલ તેઓ શાળામાં અર્થશાસ્ત્રના શિક્ષક છે.