અંકલેશ્વર,તા.ર૭
સુરત તરફથી ગણેશ પ્રતિમા લઈને આવી રહેલા ગણેશ ભક્તો ગણેશ પ્રતિમાને નડતર રૂપ વીજતાર ખસેડવા જતાં ગણેશ ભક્તોને વીજકરંટ લાગતા બે આશાસ્પદ યુવાનોનું મોત નિપજતાં ભારે ગમગીની ફેલાઈ જવા પામી હતી.
ગુહા બોર્ડ અંકલેશ્વરના યુવાનો સુરત તરફથી આજરોજ ગણેશ પ્રતિમા લઈને અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા. તે દરમ્યાન ને.હા.નં.૮ કાપોદ્રા પાસે આદર્શ માર્કેટની નજીક વીજતાર નડતો હતો. જેને ખસેડવાનો પ્રયાસ હાથ ધરતા બે યુવાનો અમીત સોલંકી તથા કૃણાલ ભાલિયાને તથા અન્ય પાંચથી છ ઈસમોને જોરદાર વીજકરંટ લાગવા પામ્યો હતો. જે બન્ને યુવાનોનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઈસમોને ગંભીર ઈજા પહોંચતા અત્રેની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.આ ઘટનાની જાણ થતાં શહેરમાંથી મોટી સંખ્યામાં યુવાનો આગેવાનો જયાબેન હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજી પોસ્ટમોર્ટમ કરાયું ન હતું.