જૂનાગઢ,તા.૧૦
જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા નજીક ગત મોડીરાત્રિનાં બનેલા એક બનાવમાં ઈલેક્ટ્રીક શોક લાગતા ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર તાલાલા-ગીરનાં રહીમ ઉર્ફે મુન્ના ઈસાભાઈ નારેજા (ઉ.વ.૩ર) તથા જહાંગીર વલીમહંમદ બ્લોચ મકરાણી (ઉ.વ.૩પ, રહે.તાલાલા) ટ્રકમાં ભંગાર ભરી અને જૂનાગઢ તરફ આવી રહ્યાં હતા. તે દરમ્યાન ટ્રકનાં વ્હીલમાં પંચર પડ્યું હતું. જેથી સાસણ રોડ ઉપર મેંદરડા ટાઉન ખાતે પંચરની દુકાનમાં પંચર કરાવવા ટ્રકને રોકી હતી. ૧ર.૪પ સમયગાળા દરમ્યાન આ કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન ટ્રકનાં ક્લિનર રહીમભાઈ ટ્રક ઉપર ચડી અને નાળા સરખા કરી રહ્યા હતા. જ્યારે ડ્રાઈવર જહાંગીરભાઈ બ્લોચ નીચે ટામીથી વ્હીલનાં બોલ્ટ ફીટ કરી રહ્યા હતા. આ દરમ્યાન ટ્રક ઉપરથી ઈલેક્ટ્રીકની લાઈન પસાર થઈ રહી હોય જેને રહીમભાઈ અડી જતા તેમને શોક લાગ્યો હતો અને આ કરંટ પસાર થઈ નીચે કામ કરતાં જહાંગીરભાઈ બ્લોચને પણ શોક લાગ્યો હતો અને બંનેના સ્થળ ઉપર જ કરૂણ મૃત્યું થતા હતા. આ બનાવ અંગેની જાણ મેંદરડા પોલીસને કરવામાં આવતાં પોલીસે બનાવનાં સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મેંદરડા પોલીસનાં હેડ કોન્સ્ટેબલ કે.બી.ચુડાસમા ચલાવી રહ્યા છે.