(એજન્સી) તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર અનેકવાર નિષ્ફળ થયા બાદ વિજય માલ્યાના પ્રાઈવેટ લક્ઝરી જેટ એ૩૧૯ની ફરાજી હરાજી કરવાની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે આ પ્રાઈવેટ લક્ઝરી જેટ છેલ્લા ત્રણ વર્ષોથી મુંબઈ એરપોર્ટ ખાતે પાર્કિંગ કરેલી અવસ્થામાં જ પડ્યું છે. એક જાણીતા મીડિયાના અહેવાલ અનુસાર કર્ણાટક હાઈકોર્ટે આગામી હરાજીની તારીખ અને સમય નક્કી કરી દીધો છે. જે ઓનલાઈન યોજવામાં આવશે. નોંધનીય છે કે આ વિમાનનું નામ વીટી-વીજેએમ એટલે કે વિજય માલ્યા છે. જે એક કોડનેમ છે. તેની હરાજી ૨૯ જૂનથી ૩૦ જૂન સુધી કરવામાં આવશે. જે લગભગ બે વાગ્યાથી શરૂ થઇને બીજા દિવસના બે વાગ્યા સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે આ પ્રાઈવેટ લક્ઝરી જેટ માટે મિનિમમ બિડ કિંમત ૧૨ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે તેના ખરીદનારાએ વધુ ૨૮ ટકા જીએસટી પણ ચૂકવવો પડશે. આ માહિતી રિપોર્ટમાં આપી હતી. આ એ૩૧૯ વિમાનમાં છ ક્રૂ મેમ્બરની સાથે લગભગ ૨૫ જેટલા પેસેન્જર બેસી શકે છે. આ જેટમાં બેડરૂમ, બાથરૂમ, બાર અને કોન્ફરન્સ એરિયા પણ આવેલ છે. ૨૫ સીટર વિમાનમાં ભગવાનના પોટ્રેટ પણ લાગવેલા છે. જ્યારે તેની બહાર તરફ માલ્યાના ત્રણ બાળકો એક દીકરો અને બે દીકરીના નામ પ્રિન્ટ કરેલા છે. જોકે તેનું પોતાનું નામ વીજેએમ પણ વિમાન પર ચિત્રેલું છે. નોંધનીય છે કે હાલમાં વિજય માલ્યા બ્રિટનમાં છે અને ત્યાં તેની સામે પણ પ્રત્યાર્પણ સંબંધિત કેસ ચાલી રહ્યો છે. તેને કરોડો રૂપિયાની લોન લઈને રફુચક્કર થઈ જવા બદલ ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ત્યારબાદથી સરકાર દ્વારા તેની અનેક મિલકતો જપ્ત કરી લેવામાં આવી હતી.