(એજન્સી) મુંબઈ, તા.પ
મુંબઈની વિશેષ અદાલતે શરાબ કારોબારી અને ભારતમાંથી ભાગી છૂટેલા વિજય માલ્યાને નવા કાનૂન મુજબ ભાગેડુ આર્થિક અપરાધી તરીકે જાહેર કર્યો છે. હવે સરકાર વિજય માલ્યાની ભારત તથા વિદેશમાં સ્થિત સંપત્તિઓ જપ્ત કરી શકશે. સરકારે હાલમાં બનાવેલ નવા આર્થિક અપરાધ કાનૂન હેઠળ વિજય માલ્યા પહેલાં વ્યક્તિ છે જેલને આર્થિક અપરાધી ભાગેડુ જાહેર કરાયા છે. ઈડીએ જૂન-રર, ર૦૧૮માં મુંબઈની વિશેષ અદાલતમાં મની લોન્ડરીંગ કાનૂન હેઠળ માલ્યા સામે અરજી દાખલ કરી હતી. જેમાં વિજય માલ્યાને ભાગેડુ જાહેર કરી તેની અંદાજે ૧ર,પ૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવાની માગણી કરાઈ હતી. જૂન ૩૦ના રોજ અદાલતે તેની સુનવણી શરૂ કરી હતી. ઈડીએ માલ્યા સામે બે અરજીઓ દાખલ કરી હતી. જેમાં મની લોન્ડરીંગ અને મિલકત જપ્તી માટે માગણી કરાઈ હતી. હવે કોર્ટે માલ્યાને ભાગેડુ જાહેર કરતાં તેના પ્રત્યાર્પણનો રસ્તો સરળ બન્યો છે. કોર્ટે આર્થિક અપરાધ કાનૂન હેઠળ માલ્યા સામે ચુકાદો આપ્યો. અપરાધી દેશ છોડી ભાગી ગયો, કોર્ટમાં હાજર થતો નથી તેથી તેને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરાયો છે. માર્ચ-ર૦૧૬માં બ્રિટન ભાગેલા વિજય માલ્યા પર બેંકોના ૯ હજાર કરોડ રૂપિયા ચાઉં કરી જવાનો આરોપ છે. હાઈકોર્ટે માલ્યાની અરજીને રદ કરી હતી.