(એજન્સી) લંડન, તા.૧૦
યુ.કે.ની હાઈકોર્ટે માલ્યા બાબત ચુકાદો આપતા જણાવ્યું કે, ભારતની બેંકો સાથે ૯૦૦૦ કરોડની છેતરપિંડી કરી બ્રિટન ભાગી આવનાર વિજય માલ્યાને ‘ન્યાયથી ભાગેડુ’ પણ કહી શકાય. જજે માલ્યાની દુનિયાભરમાં આવેલ સંપત્તિ ટાંચમાં લેવાનો આદેશ આપ્યો છે. જે ભારતની ૧૩ બેંકોની તરફેણમાં છે. બેંકોને માલ્યા પાસેથી ૯૦૦૦ કરોડ રૂપિયાથી વધુ લેવાના બાકી છે. જજે પોતાના ચુકાદામાં જણાવ્યું કે માલ્યા પ્રત્યાર્પણ નહીં થાય એ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. એ માટે જાતજાતના આધારો પણ લઈ રહ્યા છે પણ એવા આધારો પણ છે જેનાથી માલ્યાને ‘કાયદાથી ભાગેડું’ કહી શકાય. માલ્યાએ કોર્ટને જણાવ્યું કે, એ ૧૯૮૮થી એનઆરઆઈ તરીકે આવજા કરતા હતા અને ૧૯૯રથી વધુ સમય માટે ઈંગ્લેન્ડમાં રહે છે જેથી એમને કાયમ માટે બ્રિટનમાં રહેવાની પરવાનગી આપવી જોઈએ. હાઈકોર્ટે જણાવ્યું કે ર૦૧૬ સુધી માલ્યા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે નિયમિત આવજા કરતા હતા. જે આવાગમન એમનું ધંધાર્થે અથવા રાજકીય ધોરણે હતું. એમના ધંધાકીય હિતો મોટાભાગે ભારતમાં જ છે. એમની યુનાઈટેડ બ્રેવરીઝ અને કિંગ ફિશર એરલાઈન ભારતમાં જ આવેલ છે. જજે એ પણ નોંધ્યું કે માલ્યાએ કર્ણાટક કોર્ટના આદેશનો ભંગ કર્યો હતો. કોર્ટની મનાઈ આપવા છતાંય એમણે પોતાની મિલકતો વેચી હતી. ઈંગ્લેન્ડે આપેલ ચુકાદાથી ભારતની બેંકોને માલ્યા પાસેથી વસૂલાત કરવામાં થોડી સરળતા રહેશે. ઈંગ્લેન્ડ હાઈકોર્ટનો ચુકાદો દુનિયાભરમાં માન્યતા ધરાવે છે. જેથી દુનિયામાં આવેલ માલ્યાની મિલકતો હવે જપ્ત કરી શકાશે.