(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૧
આજના યુવાનો પોતાના ઈનોવેશન્સ અને સ્ટાર્ટઅપ ગુજરાતની વાયબ્રન્ટ ઈકોનોમીમાં સહભાગી કરવા સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું કે, યુવાનો ઈનોવેશનના માધ્યમથી ઈકોનોમીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે ર૦ર૧ સુધીમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રી કહ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે અને આ ડેમોગ્રાફીક ડીવીડન્ડ જ સ્ટાર્ટઅપ ક્રાંતિ લાવી દેશને વિશ્વગુરૂ બનાવશે. મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં આજથી ત્રણ દિવસ માટે યોજાઇ રહેલી વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ ર૦૧૮નો પ્રારંભ કરાવ્યો હતો. યુવા સ્ટાર્ટઅપ્સને તેમણે આહવાન કર્યું કે સમગ્ર વિશ્વમાં કોઇને કોઇ નવું કરવાની તમન્ના, ધગશ સાથે આવેલા યુવા સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રના નવોન્મેષી યુવાઓ સાથે વૈચારિક આદાન-પ્રદાનથી ભારતને સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ અને ટેકનોલોજીમાં અવ્વલ બનાવવાનું નેતૃત્વ યુવાશક્તિ લે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં ૪૦ ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશે. એટલું જ નહીં, લોકોની ડે-ટૂ-ડે ચેલેન્જીસના ઉપાયો માટે પણ આ ઇવેન્ટમાં ટેકનોલોજીના વિનિયોગ અંગે વિચાર મંથન થશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણી પરંપરા મુજબની ચાલી આવતી પ્રક્રિયાઓમાં સમયાનુકુલ ટેકનોલોજીના ઉપયોગથી પરિવર્તન અને બદલાવ લાવવામાં સ્ટાર્ટઅપ મહત્ત્વપૂર્ણ બની રહેશે. યુવાશક્તિને જોબ સીકરથી જોબ ગીવર બનાવવાની ક્ષમતા આમાં રહેલી છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ભારતમાં આજે અંદાજે ર૦ હજારથી વધુ સ્ટાર્ટએપ્સે પ૦ બિલીયન યુ.એસ.ડોલરની કુલ માર્કેટ વેલ્યુનું સર્જન કર્યું છે. ર૦ર૧ સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને ૭ હજાર કરોડ રૂપિયાના રોકાણોનો લક્ષ્યાંક રાખ્યો છે તેમ પણ જણાવ્યું હતું.