(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧પ
ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયેલ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકતા સંવાદના કાર્યક્રમમાં આડકતરી રીતે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પરપ્રાંતિયો પર હુલમાનો કોંગ્રેસનો પ્લાન નિષ્ફળ પુરવાર થયો છે. જાતિવાદ અને પ્રાંતવાદનું ઝેર ઘોળવાનો પ્રયાસ કરનાર લોકો ખુલ્લા પડી ગયા છે. ગુજરાત સરકારની સતર્કતાને લીધે આવા તત્વો ફાવી શકયા નથી તેમ વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
ઉત્તરપ્રદેશના બે દિવસીય પ્રવાસ દરમ્યાન મુખ્યમંત્રી રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું તે બાદ તેઓ એકતા સંવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં સંબોધન દરમ્યાન તેમણે કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ગુજરાતને બદનામ કરીને આવનારા સમયમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તેના પર અસર પડે એટલા માટે રાજકીય ઇશારાથી ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાઓ થયા છે. પરંતુ ગુજરાત સરકાર અને પોલીસની સતર્કતાને કારણે આવા તત્વો ફાવી શક્યા નહીં. વિજય રૂપાણીએ આંકડાકીય વિગતો આપતા કહ્યું કે, પરપ્રાંતિયો પરનાં હુમલાઓના મામલામાં ૬૩ ગુનાઓમાં ૭૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક મેસેજ ફેલાવનારા ૭૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સૌના સાથ અને સૌના વિકાસનાં મંત્ર સાથે આગળ ચાલે છે અને ગુજરાતનાં વિકાસમાં બહારથી આવીને વસેલા લોકોનું મહત્વનું યોગદાન રહ્યું છે”. ગુજરાતની ભાજપ સરકારે પરપ્રાંતિયો પરનાં હુમલાઓનાં કેસમાં દેશભરમાં કોંગ્રેસને ઘેરવાનો પ્લાન બનાવ્યો છે અને ભાજપના નેતાઓ રોજ કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો આપે છે. તેઓ એમ પણ કહે છે કે, પોલીસે જે લોકોની ધરપકડ કરી છે, તેમાં મોટાભાગનાં લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા છે એટલે આ હુમલાઓ પાછળ કોણ હતું તે ખુલ્લુ પડી ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશની એકતા અને અખંડિતતાને તોડવા માગતા લોકોને સૌ દેશવાસીઓ એક બની નિષ્ફળ બનાવે તે માટે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ છે. સરદાર પટેલે દેશને જોડવાનું કામ કર્યું છે. તેને કોઈ તોડી નહી શકે. જો સરદાર પટેલ ન હોત તો આજે ભારતનો નકશો જુદો હોત. એક જ પરિવારને મહત્વ આપીને ગાંધીજી સાથે અન્યાય થયો. સરદાર પટેલને પણ ભુલાવી દેવાના ઈરાદાપૂર્વક પ્રયત્ન થયા હતા. પાર્લામેન્ટમાં તેમની તસવીર પણ મુકવામાં વિલંબ કર્યો.
ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલા અને હિંસા ફેલાવવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ

Recent Comments