(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૩
દેશભરના રર રાજ્યોના બાલ અને યુવા વૈજ્ઞાનિકો તેમજ ગણિત પર્યાવરણ વિષયના અભ્યાસુઓ માટે આ પ્રદર્શન કુભમેળા સમાજ હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, ર૦૩૦ સુધીમાં ભારત વિજ્ઞાન-ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વાના ટોપ ૩ દેશોમાં સ્થાન મેળવે તેવી પ્રતિબદ્ધતામાં આવા પ્રદર્શન અને નવીનતમ શોધ સંશોધન મહત્ત્વપૂર્ણ બની રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ૪૫માં રાષ્ટ્રીય વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરતાં વધુમાં જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી ટેક્નોસેવી છે. ઈનોવેટિવ છે તેમજ આઉટ ઓફ બોક્સ થિન્કિંગ કરીને વિજ્ઞાન ગણિત જેવા ગહન વિષયો અને પર્યાવરણ સુરક્ષા સંવર્ધન પ્રત્યે પણ જાગૃત છે તે જ ભારતને વિશ્વ ગુરૂ બનાવશે. ગુજરાતના બાળકો-યુવાનોમાં સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ અને ઈનોવેશન માટે રસ જગાવવા સાયન્સ સિટીની પહેલ રૂપ શરૂઆત કરાઈ હતી અને તે આજે દેશમાં અગ્રેસર બન્યું છે એમ તેમણે જણાવ્યું હતું. આજે સમય બદલાઈ રહ્યો છે જ્ઞાન વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો સાથે પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતા પણ એટલા જ અહેમ બન્યા છે. ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં ઋતુચક્ર પણ હવે બદલાઈ રહ્યું છે, ત્યારે આ બધી બાબતોને આવરી લઇ યુવા પેઢી સમયાનુકુલ ઉપાયો શોધે તેવો મંચ અહીં ઉપલબ્ધ થયો છે.