(સંવદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧
રાજ્યમાં ભૂગર્ભ જળ નીચા જવાને કારણે રાજયના પ૭ તાલુકાઓમાં કાર્ડઝોન જાહેર કરી તે વિસ્તારોના ખેડૂતો માટે કૃષિ વિષયક જોડાણ મેળવવા ફરજિયાત પણે સુક્ષ્મ સિંચાઈ પધ્ધતિ (ડ્રીપ ઈરીગેશન) અપનાવવાની રહેતી હતી ત્યારે ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લઈ આ પ૭ તાલુકાઓમાં હવે ખેતી વિષયક જોડાણ મેળવવા માટે ફરજિયાત પણે ડ્રીપ કે સ્પીન્કલર ઈરીગેશન પધ્ધતિ અપનાવવામાંથી મુકિત આપવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયની પ્રવર્તમાન અછતના સંદર્ભમાં વધુ એક કિસાન હિતકારી નિર્ણય કર્યો છે. રાજયમાં કાર્ડઝોનમાં સમાવિષ્ટ પ૭ તાલુકાઓમાં હવે ખેડૂતોએ કૃષિવિષયક વીજ જોડાણ મેળવવા માટે ડ્રીપ કે સ્પીન્કલર પધ્ધતિ ફરજિયાત પણે અપનાવવાની રહેશે નહીં. ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગેની વિગતો આપતા કહ્યું કે અગાઉ રાજય સરકારે ભૂગર્ભ જળસ્તર નીચા જતા હોવાની સ્થિતિને કારણે રાજયના પ૭ તાલુકાઓમાં ડાર્કઝોન જાહેર કર્યો હતો. તદઅનુસાર જે ખેડૂતો કૃષિવિષયક વીજ જોડાણ મેળવવા માગતા હોય તેમણે ફરજિયાત પણે સુક્ષ્મ સિંચાઈ પધ્ધતિ અપનાવવાની રહેતી હતી. પરંતુ આ વર્ષે ચોમાસામાં અપુરતા વરસાદને કારણે સર્જાયેલી અછતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ કૃષિવિષયક વીજ જોડાણ મેળવતા ખેડૂતો માટે સુક્ષ્મ સિંચાઈ પધ્ધતિ ફરજિયાત અપનાવવાની જોગવાઈ અન્ય જાહેરાત ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એ કૃષિ ક્ષેત્ર માટે આઠ ઝોનમાં વહેંચાયેલું છે. જેમાં ઝોન આધારિત પાકની સ્થિતિ અલગ છે. રાજ્યમાં દર ૩ વર્ષે દુકાળ પડે છે. આ વર્ષ દુકાળનું હતું. જેને પગલે ૭૬ ટકા જ વરસાદ વરસતાં હાલમાં ખેડૂતો અછતની સ્થિતિમાં બુમરાણ પાડી રહ્યાં છે. રવી સિઝનમાં ખેડૂતો પાસે સિંચાઈ માટેનું પાણી નથી અને ખરીફ સિઝનમાં ઓછા ઉત્પાદન વચ્ચે ઓછા ભાવને પગલે ખેડૂતોમાં નારાજગીનો માહોલ છે. લોકસભાની ચૂંટણી ટાણે ખેડૂતોમાં નારાજગી ન પ્રસરે માટે સરકારે ડાર્કઝોનમાં સમાવેશ કરાયેલા ૫૭ તાલુકાઓ માટે આ વિશેષ જાહેરાત કરી છે.