(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદમાં એક કાર્યક્રમ દરમ્યાન “આપણી સ્પર્ધા હવે ભારતના શહેરો સાથે નહીં પરંતુ દુનિયાના શહેરો સાથે છે” તેમ જણાવતા ઉપસ્થિત સૌ ચોંકી ઉઠયા હતા. એટલું જ નહીં મુખ્યમંત્રીએ જીએસટી લાગુ કરાતા વેપારીઓને તકલીફ થતી હોવાનો પણ સ્વીકાર કરતા આશ્ચર્ય ફેલાયું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયાના વિકસીત શહેરોમાં રાજકોટ અને સુરતનું નામ ટોપ ૧૦માં આવ્યું હોવાનું જણાવી એફોર્ડેબલ હાઉસિંગ આવનારા સમયની આવશ્યક જરૂરિયાત હોવાનું પણ ઉમેર્યું હતું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં એક વિઝન સાથે આગળ વધી રહ્યું છે અને આપણી હવે દુનિયા સાથે સ્પર્ધા છે. બાંધકામ ક્ષેત્રે ગુજરાત સૌથી વધુ રોજગારી આપે છે અને વિકાસમાં પણ ફાળો આપે છે. કેન્દ્ર સરકારે લાગુ કરેલા જીએસટીથી વેપારીઓને તકલીફ થતી હોવાની વાત ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વીકારી છે. જો કે તેમણે સરકાર જરૂરી સુધારા કરી રહી હોવાનો પણ દાવો કર્યો છે. અમદાવાદમાં એક કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, છેલ્લા ર૦ વર્ષથી જીએસટી લાગુ કરવાની વેપારીઓની માંગ હતી અને હવે લાગુ થયા પછી બૂમો પાડવી યોગ્ય નથી. જે કોઈ સુધારાની જરૂર છે. તે કામ થતું હોવાનું કહ્યું હતું. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદી ર૦રરમાં દેશની સ્વતંત્રતાની ૭પમી વર્ષગાંઠ હરેક દેશવાસીને માથે આવાસ છત્ર આપવા સંકલ્પબદ્ધ છે ત્યારે દરેક વ્યક્તિને ‘ઘરનું ઘર’ મળે તે જવાબદારી આપણે સૌએ નિભાવવાની છે. મુખ્યમંત્રીએ કન્સ્ટ્રકશન એક્ટીવીટીમાં કવોલીટી વર્કની આવશ્યકતા સમજાવતા જણાવ્યું કે, માનવીની પાયાની ત્રણ જરૂરિયાતો રોટી, કપડા, મકાન પૈકી મકાન સુવિધાયુક્ત – શાંતિ આપનારૂં અને ‘ધરતીનો છેડો ઘર’ની અનુભૂતિ કરાવનારું હોય તેવી પ્રતિબદ્ધતા સાથે આવાસ નિર્માણ કરવા જરૂરી છે. આવાસ સુવિધા, માળખાકીય સવલતો, લોકોના જીવન ધોરણમાં સુધાર સાથે સ્માર્ટ સિટીઝ-લિવેબલ નગરોના નિર્માણની આપણી નેમ છે.