(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૩૧
ર૦૧૯ની વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનો અમેરિકા તથા યુ.કે. દ્વારા ઈન્કાર કરી દેવાના મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધી પ્રહારો કરતા ભાજપ સમસમી ઉઠયું છે. રાહુલ ગાંધીની ટીમના જવાબમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વળતા પ્રહારરૂપે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જુઠ્ઠા અને બેશરમ છે, તેઓ શરમજનક રીતે જુઠાણા ફેલાવે છે.
વાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ના આયોજનની ગુજરાતમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટનું ઉદૃઘાટન કરવાના છે ત્યારે રાહુલ ગાંધીની એક ટિપ્પણીથી રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ઉદૃઘાટન કરવાના છે તે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા બ્રિટિશ સરકારે ઇનકાર કર્યા બાદ હવે ધીરે ધીરે અન્ય દેશો પણ વાયબ્રન્ટ સમિટમાં ભાગીદારી કરવાથી ખસી રહ્યા છે. રાહુલ ગાંધીએ આ પ્રકારનું ટવીટ કરી છપાયેલા સમાચારની લીંક પણ મૂકી છે.
વિજય રૂપાણીએ રાહુલ ગાંધીની આ ટવીટ સામે ભારે સણસણતો જવાબ આપ્યો છે તેમણે કહ્યું છે કે ગઈ સમિટમાં માત્ર ૧૦ ભાગીદાર દેશો હતા, જ્યારે આ વખતે ૧૬થી વધુ દેશો વાઇબ્રન્ટ સમિટમાં ભાગીદારી કરી રહ્યા છે.
તેમણે રાહુલ ગાંધીને ખુબ જ શરમજનક રીતે જુઠાણા ફેલાવતા હોવાનું જણાવી એવો પણ વળતો આક્ષેપ કર્યો છે કે ખોટું ટવીટ કરી તમે જે આનંદ લઈ રહ્યા છો તે દશાર્વે છે કે ગુજરાત વિવિધ મોરચે નિષ્ફળ જાય તે જોવા તમે કેટલા તલપાપડ બન્યા છો .જે ક્યારેય શક્ય થવાનું નથી.
મુખ્યમંત્રીએ પાટનગર ગાંધીનગર ખાતે યોજાનારા વાઇબ્રન્ટ સમિટમાં જે દેશો એ પાર્ટનર કન્ટ્રી તરીકે હાજર રહેવાની સંમતિ દર્શાવી છે તેના નામો પણ રજૂ કરી રાહુલ ગાંધીના જુઠાણા સામે સીધો પડકાર ફેંક્યો છે. વાઇબ્રન્ટ સમિટમાં કેનેડા, ફ્રાન્સ, જાપાન, પોલેંડ, સાઉથ કોરિયા, યુનાઇટેડ આરબ અમીરાત, સાઉથ આફ્રિકા, સ્વીડન, ઉઝબેકિસ્તાન, ચેક રિપિબ્લક, નોર્વે, ઓસ્ટ્રેલિયા તથા મોરોક્કો જેવા દેશોનો સમાવેશ થાય છે તેમ મુખ્યમંત્રી રુપાણીએ જણાવ્યું હતું. રાહુલ ગાંધી પર વધુ આક્ષેપોનો મારો ચલાવતા વિજય રૂપાણીએ એમ પણ કહ્યું હતું કે ગુજરાત પ્રત્યે તમારી નફરતને અહીની પ્રજા સારી રીતે સમજે છે અને તેથી જ ગુજરાતમા કોંગ્રેસને જાકારો મળે છે તેમ છતાં ‘રાગા જુઠ કી મશીન’ની જેમ તમે જૂઠાણા ફેલાવી રહ્યા છો તેને પ્રજા સારી રીતે સમજે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૩થી ગુજરાતમાં મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આવે તે માટે તેમણે શરુ કરેલા વાઇબ્રન્ટ સમિટનો કોંગ્રેસ પહેલાથી જ વિરોધ કરતી આવી છે તેમ છતાં આ સમગ્ર ઘટનાક્રમમાં વિરોધાભાસી પાસુ એ છે કે એક તરફ કોંગ્રેસ વાઇબ્રન્ટ સમિટનો વિરોધ કરે છે અને બીજી તરફ કોંગ્રેસ શાસિત રાજ્યો એ વાઇબ્રન્ટ સમિટનું મોડલ અપનાવી તેમના રાજ્યોમાં પણ વૈશ્વિક રોકાણ આવે તેવા પ્રયાસ શરૂ કર્યા છે.