(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.પ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેલ મહાકુંભ-ર૦૧૮ના સમાપન સમારોહમાં કોંગ્રેસનું નામ લીધા વિના તેની સામે નિશાન તાકવાની તક જવા દીધી ન હતી. તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ખેલકૂદ ક્ષેત્રે “નો-વન (No one)” હતું. તેનાથી હવે ગુજરાતે “વોન-Won” સુધીની સ્થિતિ મેળવી છે. આ સાથે તેમણે રાજ્યના ખેલાડીઓ-ખેલપ્રેમીઓને “મેં નહીં, હમ”ના ટીમ સ્પિરીટથી ખેલભાવના વિકસવાવવા આહ્‌વાન કર્યું હતું.
ભાવનગર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ-૨૦૧૮ના સમાપન સમારંભમાં તેમણે જણાવ્યું કે, પુરાતન કાળથી આપણે ત્યાં ઇન્ડોર અને આઉટડોર રમત રમાતી જ હતી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દરેક પ્રકારના વિકાસની સાથે ખેલકૂદ ક્ષેત્રનો પણ વિકાસ થાય તે માટે સરકાર કૃતનિશ્વયી છે. ગુજરાતમાં સ્પોટ્‌ર્સ કલ્ચરના વિકાસ માટે જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સંકુલ, તજજ્ઞ કોચ દ્વારા શિક્ષણ જેવા નવિન આયામો અપનાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૦માં શરૂ કરાવેલ ખેલ મહાકુંભને પરિણામે સરિતા ગાયકવાડ, હરમીત દેસાઇ, અંકિતા રૈના જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાતને પ્રાપ્ત થયા છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. પ૨ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘રમશે ગુજરાત-જીતશે ગુજરાત’ દ્વારા ખેલમાં ભાગ લેનારા સૌ ખેલાડીઓ એક રીતે જીત્યા જ છે. જીત કે હારને પચાવવાનો સ્પિરીટ જ અગત્યનો છે. મુખ્યમંત્રીએ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા તૈયાર કરાયેલ વિશેષાંક “ખેલ દર્પણ ગુજરાત”નું વિમોચન કર્યુ હતું. મુખ્યમંત્રીએ મેદાન ફરતે ખુલ્લી જીપમાં ફરી ઉપસ્થિત ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ભાવનગરના ધારાસભ્ય અને સિનિયર બાસ્કેટબોલ નેશનલ ચેમ્પિયનશિપનાં ઓર્ગેનાઇઝીંગ ચેરમેન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૩૦ રાજ્યોના ૯૩૦ જેટલા ખેલાડીઓ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ રહ્યા છે. ગુજરાતમાં અને ખાસ કરીને ભાવનગરમાં બાસ્કેટબોલની રાષ્ટ્રીય કક્ષાની રમત યોજાઇ રહી છે તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.