ગાંધીનગર, તા. ર૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશના સૌથી મોટા સુજલામ સુફલામ જળ અભિયાનને ગુજરાતની ભવિષ્યની પેઢીને પાણીના દુકાળમાંથી મુક્ત કરનારો પુરૂષાર્થ ગણાવી રાજ્યમાં પાણીના ટીપે-ટીપા બચાવવા સરકારે સુનિશ્ચિત આયોજન કર્યું છે તેમ જણાવ્યું હતું.
‘‘અમારી સરકાર ગુજરાતના લોકોની ચિંતા કરનારી સરકાર છે. ભવિષ્યની પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાની અમારી નેમ છે’’ તેમ મુખ્યમંત્રીશ્રીએ અભિયાનના વિરોધીઓને જવાબ આપતાં જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતના ખુણે-ખુણે લોકો આ અભિયાનમાં જોડાઇ ગયા છે. અભિયાનને પ્રથમ દિવસે ૧લી મેના રોજ તળાવ ઉંડા કરવાનાં કામોમાં ૫૨૭ જેસીબી હતા આજે ૪૫૦૦ જેસીબી અને ૨ હજાર ટ્રેક્ટરોની સામે ૧૪ હજાર ટ્રેક્ટર, ડમ્પર તથા ૪૫૦ એન.જી.ઓ. સામે આજે ૨૬૦૦ એન.જી.ઓ. જળ વંદનામાં સામેલ છે.
ગુજરાતના ગામો ફળદ્રુપ માટીથી અને પાણીના તળ ઉંચા આવવાથી સમૃદ્ધ થશે અને ગામો સમૃદ્ધ થશે તો શહેરો સમૃદ્ધ થશે તેમ જણાવી આગામી વર્ષોમાં આ અભિયાનના પરિણામો થકી ખેતરોમાં ખેતી પાક લહેરાશે અને પાણીની કોઇ સમસ્યા નહીં રહે.
રાજ્યમાં ૧૧ હજાર લાખ ઘનફુટ પાણીની ક્ષમતા વધશે. મુખ્યમંત્રીશ્રીએ આગામી દિવસોમાં ગટરના પાણીને શુદ્ધ કરવાની રીસાઇકલીંગ પોલીસી જાહેર કરાશે તેમ જણાવી દરિયાના ખારા પાણીને પણ શુદ્ધ કરવા રૂ! ૮૦૦ કરોડનો પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું.
વાડલા ગામે મુખ્યમંત્રીએ તળાવના કાંઠે રહેલી જળ કુંભીઓની સફાઇ કરવા પણ સૂચન કર્યું હતું. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા અભિયાનમાં રૂ ૧.૧૧ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે કલેક્ટરશ્રી ડૉ.સૌરભ પારધીએ સ્વાગત પ્રવચન જ્યારે આભાર વિધિ ડી.ડી.ઓ.શ્રી પ્રવિણ ચૌધરીએ કરી હતી.કાર્યક્રમમાં મેયર આદ્યશક્તિબેન મજમુદાર, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.