અમદાવાદ, તા.૧૭
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની નવમી શ્રેણીની પૂર્વસંધ્યાએ જાપાનીઝ બિઝનેસ ડેલિગેશનને આવકારતા જણાવ્યું હતું કે, ભારત જાપાનના સંબંધો વિકાસની નવી દિશા કંડારશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટની શરૂઆતથી જ જાપાન દેશ પાર્ટનર તરીકે ગુજરાતની સાથે છે, ત્યારે ગુજરાત-જાપાનના આર્થિક સંબંધો અનેકવિધ વૈશ્વિક પડકારોનો સામનો કરી વિકાસના નવા સમીકરણો રચશે. મુખ્યમંત્રીએ જાપાન દેશને ગુજરાતના “જૂના મિત્ર” તરીકે ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં વધુને વધુ મૂડીરોકાણ કરી રહી છે જે ગુજરાત માટે ગૌરવરૂપ છે એટલું જ નહીં આ કંપનીઓ મુડીરોકાણ ક્ષેત્રે ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર બની રહી છે આ કંપનીઓ પાસેથી પ્રેરણા લઈને અન્ય દેશની કંપનીઓ ગુજરાતમાં રોકાણ માટે પ્રવૃત્ત થઈ રહી છે. જાપાનના સ્ટેટ મિનીસ્ટર ઓફ ઇકોનીમી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી શ્રીયુત યોશીહિકો ઇસોઝાકી (Mr. YOSHIHIKO ISOZAKI)ના નેતૃત્ત્વમાં આવેલા ૧૫ સદસ્યોના પ્રતિનિધિમંડળે ગુજરાત અને ભારતમાં મૂડીરોકાણની તકો સંદર્ભે ચર્ચા કરી જણાવ્યું હતું કે, જાપાનીઝ કંપનીઓ જાપાન ભારતના આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. આ કંપનીઓ મેક ઇન ઇન્ડિયા અને સ્કીલ ઇન્ડિયા જેવા અભિયાનમાં સહયોગી બનવા ઈચ્છે છે. જાપાન ભારતના ભાવિ આર્થિક અને રાજનૈતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાના માધ્યમ તરીકે પરસ્પરનો સહયોગ અને સહકાર ફળદાયી બનશે તેમ જણાવી પ્રતિનિધિમંડળના સદસ્યોએ ગુજરાતને બિઝનેસ ફ્રેન્ડલી સ્ટેટ ગણાવ્યું હતું.