(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૭
ભાવનગર જિલ્લામાં નર્મદા જળના વધામણા કરવાના સરકારી કાર્યક્રમમાં મુખ્યમંંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સૌરાષ્ટ્રની પ્રજાને તરસી રાખી ખેડૂતોને બરબાદી તરફ ધકેલવાનું પાપ કરનારાને પ્રજા માફ નહીં કરે તેમ જણાવતા વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વર્ષો સુધી સત્તામાં હતા તોય નર્મદા ડેમ કેમ પૂરો ન કર્યો ! મુખ્યમંત્રીએ સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઈપલાઈન દ્વારા શેત્રુંજી ડેમને નર્મદા નીરથી ભરવાના પ્રોજેક્ટનું આજે લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ભૂતકાળમાં કોંગ્રેસી સરકારોએ પાણી જેવી પ્રાથમિક અને પાયાની જરૂરિયાત પ્રત્યે ઉપેક્ષા કરેલી તેની આલોચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત વિરોધીઓ આ યોજનાની મજાક ઉડાવતા હતા. અત્યારે ઉનાળાના પ્રારંભે ડેમોમાં નર્મદાના નીર પહોંચ્યા છે, ત્યારે આવા વિરોધીઓને પાણી મુદ્દે બોલવાનો કોઈ જ અધિકાર નથી. મુખ્યમંત્રીએ વિપક્ષને વેધક સવાલ કર્યો હતો કે, તમે આટલા વર્ષો સુધી સત્તામાં હતા તોય ડેમ પૂર્ણ ના કર્યો અને સરદાર સરોવર ડેમના દરવાજાનું કામ કેમ પૂર્ણ ન કર્યું ? કોંગ્રેસની સરકારે ખેડૂતોને માત્ર રૂા.પ૬,૦૦૦ કરોડ આપી છેતર્યા હતા. જેની સામે વડાપ્રધાને ૧૦ વર્ષમાં રૂા.૭.પ૦ લાખ કરોડ આપવાનો નિર્ધાર કરી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી દીધી છે. દરિયાના ખારા પાણીને શુદ્ધ પાણીમાં ફેરવી પીવાલાયક મીઠા બનાવવાનો ડિસેલિનેશન પ્રોજેક્ટનો આપણે પ્રારંભ કર્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, એક ડિસેલિનેશન પ્લાન્ટ શરૂ કરાશે.