(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૬
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન દરમિયાન રાજ્યમાં કચરાના ઢગલાઓ દૂર કરી સ્વસ્થ-તંદુરસ્ત, ગુજરાતના નિર્માણની સંકલ્પબદ્ધતા વ્યક્ત કરી છે. વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂનથી ૧૧ જૂન દરમિયાન રાજ્યમાં યોજાઈ રહેલા પર્યાવરણ સ્વચ્છતા અભિયાન તહેત મુખ્યમંત્રીએ આજે અમદાવાદના સાણંદમાં માર્ગોની સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું. તેમણે એવો પણ સંકેત આ અવસરે આપ્યો કે રાજ્યના ૪૦૦ જેટલા મોટા શહેરો-નગરોમાં કચરો બહાર ફેંકવા સામે દંડાત્મક કાર્યવાહી કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર વિચારાધિન છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ જાહેરમાં કચરો ન ફેંકે તે માટેની સમજણ અને જનજાગૃતિ આ અભિયાન અંતર્ગત જગવવામાં આવશે. પ૧ હજાર જેટલી શણની થેલીઓ જ્યુટ બેગ્સનું વિતરણ પણ આ અભિયાનના સપ્તાહ દરમિયાન કરાશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સાણંદ ઉદ્યોગને આધારે સમગ્ર વિશ્વમાં જાણીતું શહેર બન્યું છે ત્યારે સાણંદની સ્વચ્છતાને પણ વિદેશના લોકો આવકારે તેવું ચોખ્ખુું ચણાક બનાવવું છે. સાણંદને સ્વચ્છ રાખવા માટે ૮ હજાર ડસ્ટબીનનું પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, પ્લાસ્ટિક વિકાસનું મટીરિયલ છે પરંતુ પ૦ માઈક્રોનથી નીચેનું પ્લાસ્ટિક જળ, જમીન બગાડવા સાથે પર્યાવરણ પણ બગાડે છે તેથી પ્લાસ્ટિકનો વિવેકપૂર્ણ ઉપયોગ અનિવાર્ય છે. આજે નહીં તો કાલે આ પણ સમજવું પડશે. તેમણે ઉમેર્યું કે કચરો નહીં હોય તો ગંદકીથી થતાં રોગ પણ અટકશે અને સ્વચ્છ-તંદુરસ્ત ભાવિ પેઢીનું નિર્માણ કરી શકાશે.