(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૦
લોકસભા ચૂંટણીનો પ્રચાર હવે પરાકાષ્ટાએ પહોંચેલ છે ત્યારે ભાજપ-કોંગ્રેસના નેતાઓના આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને દાવાઓનું જોર વધી જવા પામ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજકોટમાં કોંગ્રેસ પર પ્રહારો કરવાનું જારી રાખતા કહ્યું હતું કે, ડો. મનમોહનસિંહના શાસન કરવામાં આતંકવાદ સામે તેઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા ન હોવા છતાં પ્રજાને પગલાં લેવાનું કહેતા હતા. જયારે પુલવામા અને ઉરીની આતંકવાદી હુમલાઓની ઘટના બાદ વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તેમણે ઉમેર્યું કે ગુજરાતીઓ માને છે કે મોદી જ દેશ માટે સારૂં કરી શકે તેમ છે. આ સાથે રૂપાણીએ કોંગ્રેસના અગ્રણી અહમદ પટેલના આક્ષેપોનો જવાબ વાળતાં દાવો કર્યો હતો કે, ગુજરાતમાં લોકસભાની એક પણ સીટ કોંગ્રેસને નહી મળે તમામ ર૬ બેઠકો ભાજપ હાંસલ કરશે.
કોંગ્રેસ અગ્રણી અહમદ પટેલે આજે કોંગ્રેસ ગુજરાતમાં ડબલ ડીજીટ (બે આંકડા)માં લોકસભા બેઠકો જીતશે તેવો દાવો કરતા તેના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ દાવો કર્યો હતો કે, અમે બધી ર૬ બેઠકો જીતી લઈશું, અને કોંગ્રેસને તો એક સીંગલ બેઠક પણ મળશે નહીં.
રૂપાણીએ રાષ્ટ્રવાદના ઈશ્યુ મુદ્દે જવાબ આપતા કોંગ્રેસ પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ૧૦ વર્ષના મનમોહનસિંહના શાસનકાળમાં આતંકવાદ સામે પગલાં લેવાની માત્ર થતો થઈ હતી એક પણ સ્ટેપ લીધો ન હતો. તેની સામે મોદીએ તો બે બે વાર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે છેલ્લા પાંચ વર્ષમાં મોદી શાસનકાળમાં દેશમાં એક પણ બોમ્બ એટેકનો એક પણ બનાવ બન્યો નથી. જયારે તેઓના શાસનકાળમાં દેશના ઘણા ભાગોમાં ઘણા બોમ્બ હુમલાના બનાવો બન્યા હતા.
રૂપાણીએ ચૂંટણી ઢંઢેરા વિશે વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ૩૭૦ની કલમ નીકળવાની વાત કરી છે. તે દેશ કંઈ રીતે સહન કરે. દેશની સુરક્ષા કે મતની લાલચ મહત્વની આ બંનેમાંથી કોંગ્રેસ સ્પષ્ટતા કરે. મનમોહન સરકાર હતી. ત્યારે કેમ ગરીબો યાદ ન આવ્યા. ગરીબો માટે ભાજપે તમામ પગલાં લીધા છે. વિજય રૂપાણીએ કોંગ્રેસની ૭ર હજારની યોજના ઉપર પ્રશ્ન કરતા કહ્યું કે, કોંગ્રેસ પાસે ૭ર હજારનો કોઈ હિસાબ છે ? ગુજરાત આંખના કણાની માફક કોંગ્રેસને હંમેશા ખુંચ્યું છે. ગુજરાતને અન્યાય પણ કરતા આવ્યા છે. સરદાર વલ્લભ પટેલને દુર કર્યા હતા મોરારજી દેસાઈને ઉથલાવી પાડયા હતા અને હવે મોદીને પાડવા માટે કોંગ્રેસ પાછળ પડી ગઈ છે.