ગાંધીનગર, તા.પ
રાજ્યસભાની બે સીટો પર મતદાન વેળા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ અંગે પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પોતાની હારને પચાવી શકતી નથી. કોંગ્રેસથી કંટાળીને અલ્પેશ અને ધવલસિંહે રાજીનામું આપ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી અંગે સીએમ રૂપાણીએ કહ્યું કે અમારા બન્ને ઉમેદવારો વધુ મતોથી જીતશે. કોંગ્રેસ ક્રોસ વોટિંગથી ડરી ગઈ છે. કોંગ્રેસ અલ્પેશની પાછળ પડી ગઈ હતી. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સાચવી શકતી નથી. અલ્પેશ અને ધવલસિંહે કંટાળીને કોંગ્રેસ છોડી દીધું છે એટલું જ નહીં. રૂપાણીએ કહ્યું કે પહેલેથી જ લાગતું હતું કે અલ્પેશ ક્રોસ વોટિંગ કરશે. કોંગ્રેસને આડેહાથ લેતા રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ પહેલાં ચૂંટણી રોકવા પ્રયાસ કરતી હતી અને હવે મતગણતરી રોકવા માટે પ્રયાસ કરી રહી છે. પહેલાં તે ચૂંટણી રોકવા માટે સુપ્રીમકોર્ટમાં ગઈ હતી. કોંગ્રેસ ધારાસભ્યોના અસંતોષને ડામવાને બદલે ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડી રહી છે.