(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક કાર્યક્રમમાં કાશ્મીર મુદ્દે નિવેદન આપી વિવાદનો મધપૂડો છંછેડવાનું કામ કર્યું છે. કાશ્મીરને લઈને દેશભરમાંથી વારે-ઘડીએ નિવેદનબાજી ચાલતી રહે છે ત્યારે હવે તેમાં આપણા મુખ્યમંત્રી પણ જોડાયા છે તેમણે આજે કહ્યું હતું કે, કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ થશે, તેનો મને વિશ્વાસ છે અને હવે એ દિવસો દૂર નથી. એટલું જ નહીં આ મુદ્દે તેમણે આ ભાજપના ચૂંટણી એજન્ડાને એક ભાગ હોવાનું પણ જણાવી ભાજપ સરકાર બહુમતીના જોરે શું કરવા માંગે છે તે તરફ ઈશારો કરી દીધો હતો. જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૧૯મી જયંતિ પ્રસંગે ગાંધીનગરમાં ભાજપ દ્વારા પુષ્પાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ થશે તેનો મને વિશ્વાસ છે અને હવે એ દિવસો દૂર નથી. જ્યારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થશે એ શ્યામા પ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલી ગણાશે.
વિજય રૂપાણીએ કહ્યું, “આઝાદ ભારત પછી રચાયેલી પ્રથમ સરકારમાં નહેરૂજી સાથે ડૉ.મુખર્જી મંત્રી હતા. તેઓ ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારે પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. કાશ્મીર માટે તેમની લડત અને એક દેશમાં દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહીં ચલેગાની માંગ સાથે લડ્યા હતા.” સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે ડૉ. મુખર્જી કમનસીબે કાશ્મીર માટે લડતા લડતા ત્યાંની જેલમાં જ શહીદ થયા હતા. આર્ટિકલ ૩૭૦ અને ૩૫ રદ થવી જોઈએ. ‘જહા હુવે બલિદાન મુખર્જી, વો કાશ્મીર હમારા હે’ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ રદ થાય એ દિવસો દૂર નથી. આ કલમ રદ થશે એજ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલી હશે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી અને ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ રદ કરવા પ્રતિદ્ધ છે, આર્ટિકલ ૩૭૦ કાશ્મીરમાંથી નાબૂદ કરવી એ અમારા ચૂંટણી એજન્ડાનો ભાગ છે અને તે થશે તેનો મને વિશ્વાસ છે. મુખ્યમંત્રીના નિવેદન પર કોંગ્રેસના નેતા જયરાજસિંહે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી નિવેદનોમાં માનસિક સંતુલન ગુમાવીને બેઠા હોય તે રીતે હંમેશા વાતો કરે છે. એમનો પોતાનો કોઈ વિષય નથી અને ૩૭૦ ખરેખર દૂર કરવી હોય તો તેમને તેમના આકા દિલ્હીમાં બેઠા છે તેમને જઈને કહેવું જોઈએ કે, ૩૭૦ અંગે કંઇક કરો અને
તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાસેથી પ્રગતિ રીપોર્ટ માંગો કે, તમે પાંચ વર્ષથી ભારતમાં શાસન કરો છો તો ૩૭૦ની બાબતમાં શું કર્યું ? તમે તો રબર સ્ટેમ્પ છો. તમે કોઈની ચિઠ્ઠીથી મહેરબાનીથી બેઠેલા છો એ વિજય રૂપાણી ભૂલી જાય છે. ખરેખર જો દૂર કરવું હોય તો રાજકોટની અંદર ગટરો અને ગંદકી છે એ દૂર કરો. રાજકોટની અંદર એક બે ઇંચ વરસાદની અંદર પાણી ભરાઈ જાય છે. ૩૭૦ તો સાત જન્મ લેશે તો પણ દૂર નહીં કરી શકે, કારણ કે, તેના માટે તો વ્હીલ પાવર જોઈએ અને બીજા બધા હજારો કારણ છે. તેમ વધુ પ્રહારો કરતાં કોંગી નેતાએ ઉમેર્યું હતું.