અમદાવાદ,તા.૩૦
રાજ્યમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેકટસની સર્વગ્રાહી કામગીરીની સમીક્ષા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાને વડોદરા સાથે રેલવે કનેકટીવીટીથી જોડવાના પ્રોજેકટ માટે રાજય સરકાર જમીન સંપાદન માટે સંપૂર્ણ સહયોગ આપવા જણાવ્યું છે. તેમજ વડોદરામાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી માટે રાજ્ય સરકાર પ૦ ટકા રાહત ભાવે જમીન ફાળવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેકટસની સર્વગ્રાહી કામગીરી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. આ સંદર્ભમાં બેઠકમાં જણાવવામાં આવ્યું કે, ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરની સંપૂર્ણ કામગીરી આગામી ર૦ર૧ ડિસેમ્બર પહેલા પૂર્ણ કરી દેવાશે. રાજય સરકારે આ પ્રોજેકટ હેતુસર જમીન સંપાદન સહિતની બાબતોમાં સહયોગ કર્યો છે અને હવે આ પ્રોજેકટ ઝડપથી પૂર્ણતા તરફ આગળ ધપી રહ્યો છે. આ પ્રોજેકટનો પ્રથમ તબક્કો માર્ચ-ર૦ર૦માં કાર્યરત થઈ જશે.
મુખ્યમંત્રીએ રાજયના મહત્વપૂર્ણ પ્રોજેકટસ અંગે કેન્દ્રના સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-બેઠક યોજીને પ્રોજેકટમાં ગતિ લાવવાના નવતર અભિગમ રૂપે ગાંધીનગરમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિશ્વ પ્રવાસન ધામ તરીકે વિકાસ થઈ રહ્યો છે. ત્યારે વડોદરાથી કેવડિયાની રેલવે કનેકટીવીટી માટે રાજય સરકારે જમીન સંપાદન અંગે તેમજ અન્ય સહયોગ આપ્યો છે તે અંગેની વિગતો બેઠકમાં મેળવી હતી. તેમણે આ મહત્વાકાંક્ષી રેલવે લાઈન પ્રોજેકટ ત્વરાએ પૂર્ણ થાય તે માટે રેલવે તંત્રના અધિકારીઓને સુચન પણ કર્યું હતું. વડોદરા ખાતે નિર્માણાધિન દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી માટે ગુજરાત સરકાર પ૦ ટકા રાહત ભાવે જમીન ફાળવશે તેવો નિર્ણય મુખ્યમંત્રીએ આ બેઠકમાં કર્યો હતો. મુખ્યમંત્રીએ તાજેતરમાં જ ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લઈ રીડેવલપમેન્ટ પ્રોજેકટનું જાતનિરીક્ષણ કર્યું હતું. આ સંદર્ભમાં પણ વિજય રૂપાણીએ રેલવે તંત્રવાહકો સાથે કામગીરી સમીક્ષા કરી આગામી ર૦ર૦ના મધ્ય સુધીમાં પ્રોજેકટ પૂર્ણ કરવા તાકીદ કરી હતી. રેલવે તંત્રના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ કામગીરીમાં વેગ લાવીને નિર્ધારીત સમયમાં પૂર્ણ કરી દેવાની ખાતરી મુખ્યમંત્રીને આપી હતી. સુરત રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ અંગેના વિવિધ પાસાઓની વિશદ ચર્ચા-વિચારણા પણ આ ઉચ્ચસ્તરીય બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પણ ફાસ્ટ ટ્રેક પ્રોજેકટ તરીકે ઉપાડી લેવા બેઠકમાં મુખ્યમંત્રીએ સુચવ્યું હતું.