ગાંધીનગર, તા.ર૪
કેન્દ્રના પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના દુઃખદ અવસાન અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શોકની લાગણી વ્યક્ત કરતાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જેટલીની કામગીરીને યાદ કરતાં એક સારા નેતા ભાજપે ગુમાવ્યાનું દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. મુખ્મંત્રીએ અરૂણ જેટલીએ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કર્યું હતું તેની યાદ તાજી કરી હતી. રાજ્યસભા સાંસદ તરીકે તેમણે વડોદરા જિલ્લાના ચણોદ કરનાળી યાત્રાધામના સર્વગ્રાહી વિકાસ માટે સાંસદ આદર્શ ગામ તરીકે તેના વિકાસમાં આપેલા યોગદાનની સરાહના પણ મુખ્યંત્રીએ કરી હતી. વિજય રૂપાણીએ પૂર્વ નાણામંત્રીને શોકાંજલી પાઠવતા કહ્યું કે, અરૂણ જેટલીએ દેશના નાણામંત્રી તરીકે આર્થિક સુધારણા અને નાણાકીય શિસ્ત ક્ષેત્રે પહેલ રૂપ નિર્ણયો કર્યા હતા, તે સદાકાળ યાદ રહેશે. તેમના નિધનથી ભારતીય જનતા પાર્ટીએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે એમ વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
વિજય રૂપાણી રવિવારે તા.રપ ઓગસ્ટે બપોરે ૧ર વાગ્યે દિલ્હી ભાજપા મુખ્યાલય ખાતે અરૂણ જેટલીના અંતિમ દર્શન કરી ભાવાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેમની અંતિમ યાત્રામાં પણ તેઓ જોડાશે.