(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
દેશભરમાં હાલમાં મંદીનું મોજું ફરી વળેલું જોવા મળે છે, ત્યારે આપણા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંદીને નજરઅંદાજ કરતા તેને માત્ર હવા ગણાવી છે. મુખ્યમંત્રીએ મંદી તો માત્ર હવા છે, તેમ જણાવતા કહ્યું કે, અત્યારે તેના કોઈ આંકડા અમારી પાસે આવ્યા નથી. અમારી રાજ્ય સરકાર તો લોકો માટે કામ કરનારી સરકાર છે. મુખ્યમંત્રીના મંદી અંગેના આ નિવેદનથી રાજકીય આલમમાં ચર્ચા શરૂ થઈ જવા પામી છે. ગુજરાતમાં હવે મંદીના નામે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોલાર પોલીસીની જાહેરાતની પ્રેસ કોન્ફરન્સમાં કોઈ આંકડા આવ્યા ન હોવાનું જણાવી મંદીની વાતને નકારી કાઢતા વિપક્ષ કોંગ્રેસે મુખ્યમંત્રી જૂઠ્ઠાણુ ફેલાવતા હોવાનું જણાવી પ્રહાર કર્યા હતા. સોલાર પોલીસીને લઈ સીએમ રૂપાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી. અહીં સીએમ રૂપાણીને મંદી અંગે પુછવામાં આવ્યું ત્યારે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ‘ભાઇ, અત્યારે અમારી પાસે આવા કોઇ આંકડા આવ્યાં નથી. મંદી એક હવા છે. અત્યાર સુધી કોઇ એમએસએમઈનાં એકમો સાવ બંધ થઇ ગયા તેવું પણ આપણી સામે આવ્યું નથી. જો તમે સમજો સરકાર પોલીસી આપે છે. ખાનગી લોકો ધંધો કરે છે. ભૂતકાળમાં આ બધા કહેતા હતાં કે આપણે ત્યાં પાવર ઘણાં જ મોંઘા છે તો રાજ્ય સરકારે દરવાજો ખોલ્યો છે. જો મંદીની વાત કરતા હશો તો આ તમને મંદીમાં ઉપયોગી થશે. રાજ્ય સરકાર લોકો માટે કામ કરનારી સરકાર છે.’ મંદી અંગે મુખ્યમંત્રીના નિવેદન મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ સામા આકરા પ્રહારો કર્યા હતા.