(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૫
આણંદ ખાતે લોટેશ્વર તળાવમાં નગરપાલિકા દ્વારા નિર્મિત થનારી અટલ બિહારી બાજપાઈની પૂર્ણ કદની પ્રતિમાનું ખાત મુર્હુત તેમજ નગરપાલિકા સામે નિર્મિત પંડીત દિન દયાલ ઉપાધ્યાયની અર્ધ પ્રતિમાનું અનાવરણ તેમજ વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શહેરોના સંતુલિત વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી, જ્યાં માનવી ત્યાં સુવિધાના સંકલ્પને સાકાર કર્યો છે. જીડીપીની સાથે નાગરિકોનો હેપ્પીનેસ ઇન્ડેક્ષ વધે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. દિન-પ્રતિદિન શહેરીકરણનો વ્યાપ વધી રહ્યો છે. આણંદમાં અદ્યતન સિવિલ હોસ્પિટલના નિર્માણ માટેની કાર્યવાહી ટૂંક સમયમાં જમીનની પસંદગી કરી પૂર્ણ કરવામાં આવશે તેમજ રાજ્યમાં ગ્રીન-કલીન એનર્જી માટે સી.એન.જી.-પી.એન.જી. પંપો, પવન અને સૂર્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે બે લાખ ઘરોમાં સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરાશે. આગામી ત્રણ વર્ષમાં આઠ લાખ ઘરોને સોલર રૂફ ટોપથી આવરી લેવાશે અને વધારાની વિજળી રાજ્ય સરકાર ખરીદશે.
તેમજ આણંદ શહેરમાં સો ટકા ઘરોમાં નળથી પાણી પહોંચાડવા, એસ.ટી.પી.નું કામ ઝડપથી પૂર્ણ કરી ડ્રેનેજના પાણીને શુદ્ધ કરી તેના પુનઃ ઉપયોગ કરવા આહ્‌વાન કર્યું હતું.મુખ્યમંત્રી રૂપાણીએ પંચાયત રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં નગરપાલિકા દ્વારા શહેરના લોટેશ્ચર તળાવ ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન દિવંગત અટલ બિહારી વાજપેઈની પૂર્ણ કદની પ્રતિમા નિર્માણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવા સાથે આણંદ નગરપાલિકા સંકુલ સામે પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું તેમના જન્મદિને અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આણંદ નગરપાલિકા દ્વારા રૂા.૬.૧૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવેલ બાકરોલ તળાવ, અવકુડા દ્વારા રૂા.૧.૨૦ કરોડના ખર્ચે કૃષિ કોલેજથી દાંડી માર્ગનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ અમૃત પ્રોજેકટ હેઠળ રૂા.૧૬.૮૬ કરોડના ખર્ચે ટી.પી.નં.૯માં અમૂલ ડેરી રોડ ઉપર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા ફૂટપાથ નવીનીકરણ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે રૂા.૨૪.૨૧ કરોડના ત્રણ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે જનવિકાસ ઝુંબેશ અંતર્ગત તારાપુર તાલુકાના ૧૦૦૦ ઉપરાંત લાભાર્થીઓને યોજનાકીય સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.