(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૨૮
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ગાંધી અને સત્ય એકબીજાના પર્યાય છે. ગુજરાત બે મોહનની ભૂમિ છે દ્વારિકાના ચક્રધારી મોહન અને પોરબંદરના ચરખા ધારી મોહન. સુદર્શન ચક્ર અધર્મ અને અન્યાય સામેનું શસ્ત્ર હતું તો ચરખો અસત્ય અને ગુલામી સામેનું શસ્ત્ર હતુંં.
ગાંધીજીના પ્રેરક પ્રસંગોને યાદ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગાંધીજીના ચરખાએ આપણને સ્વાવલંબી અને સ્વનિર્ભર બનવાનો સંદેશ આપ્યો છે. અસ્પૃશ્યતા નિવારણ, સ્વચ્છાગ્રહ અને સ્વદેશીનો બાપૂનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.ગાંધી એ વ્યક્તિ નહિ વિચાર છે સ્વયં એક સંસ્થાન છે. તેમણે વધુમાં કહ્યું કે, ગાંધીજીએ અસત્ય અને અન્યાય સામેની લડત અગણિત અત્યાચારો સહન કરીને ચાલુ રાખી હતી છતા પણ હિંસાનો સહારો ક્યારય લીધો ન હતો. ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે, રાજ્યસરકાર ગાંધીજીના રામરાજ્યની કલ્પનાને પરિપૂર્ણ કરવા કટિબદ્ધ છે. સરકાર સદાય સાંપ્રત એવા ગાંધીજીના સંસ્મરણોને જીવંત રાખવા રાજ્યસરકારે દાંડી સ્મારક, રાજકોટ ખાતે ગાંધી મ્યુઝિયમ પોરબંદરમાં કસ્તુરબા સ્મારક જેવા વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કર્યું છે. આ વર્ષ દરમ્યાન ગાંધી ક્વિઝ કોલેજો અને યુનિવર્સિટીઓમાં ગાંધી જીવન વિષયક રિસર્ચ સહિતના આયોજનોથીજન-જન સુધી ગાંધી અને ગાંધી સુધી જન-જન પહોંચે તેવી નેમ રાખી છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, દુનિયાની બધી જ સમસ્યાનું નિરાકરણ ગાંધી માર્ગે શક્ય છે. વડાપ્રધાનનું સ્વચ્છતા અભિયાનમાં દેશવાસીઓને જોડ્યા છે તે ગાંધીજી પ્રેરિત છે.ગુજરાત આ અભિયાનોમાં અગ્રેસર રહેશે અને આંધળો વિકાસ નહિં પરંતુ ગાંધી માર્ગે સાતત્યપૂર્ણ ટકાઉ વિકાસ કરશે.
આંધળો વિકાસ નહિ પણ ગાંધી માર્ગે સાતત્યપુર્ણ વિકાસ કરવો છે : રૂપાણી

Recent Comments