(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર
રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧પ૧મી જન્મજયંતીએ ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પર્યાવરણવાદી વિચારોનું સંવર્ધન થાય અને રાજ્યની શાળાઓના બાળકો-વિદ્યાર્થીઓ પર્યાવરણ વિષયે વધુ સજાગ થાય તેવા ઉદાત ભાવથી રાજ્યની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં પર્યાવરણ પ્રયોગશાળા શરૂ કરવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ચોપાટી ખાતે રહેલ કચરો ઉપાડી એક બેગમાં એકઠો કર્યો હતો. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવાના શપથ લીધા હતા. મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય, સાંસદસભ્ય, અધિકારીઓ અને પોરબંદરની જનતાએ પણ સ્વચ્છતાના શપથ લીધા હતા. ગંદકી તથા પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અંગેના શપથ આજે સૌએ લીધા હતા. રૂપાણીએ પોરબંદરમાં ૧૫૦મી ગાંધી જયંતિએ આયોજિત પ્રાર્થના સભા અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કાર્યક્રમમાં આ જાહેરાત કરતા કહ્યું કે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણના માધ્યમથી પર્યાવરણ શિક્ષણ ને વેગ આપવા અને બાળકોમાં પર્યાવરણ અંગે વિશેષ સમજ કેળવવા આ પ્રયોગ શાળાઓ એક નવતર પ્રકલ્પ બની રહેશે. તેમણે કહ્યું કે રાજ્યની શાળાઓમાં જેમ કોમ્પ્યુટર લેબ, ગણિત, વિજ્ઞાનના વિષયોની લેબ છે તે જ રીતે આ પર્યાવરણ પ્રયોગ શાળા કાર્યરત કરાશે. વિદ્યાર્થીઓ પર્યાવરણ વધુ સહજતાથી અને અસરકારક રીતે સમજે તેનું સંવર્ધન કરે તેમજ રોજિંદા જીવનમાં પર્યાવરણ પોષક બાબતોનું ધ્યાન રાખે, ઓર્ગેનિક અને ઝીરો બજેટિંગ કુદરતી ખેતી પાણીની બચત અને બિન પરંપરાગત ઊર્જા સ્ત્રોતોના ઉપયોગથી ઊર્જા બચાવ જેવા પર્યાવરણ રક્ષાના સર્વગ્રાહી ઉપાયોને આ પર્યાવરણ પ્રયોગ શાળાના મુખ્ય હેતુઓ તરીકે રાખવાની નેમ છે. આ વર્ષે રાજ્યમાં તાલુકા દીઠ પસંદ કરેલી ૨૫થી ૩૦ શાળાઓ એમ રાજ્યમાં કુલ ૬ હજાર આવી પ્રયોગ શાળાઓ શરૂ કરાશે અને ક્રમશઃ તેનો વ્યાપ રાજ્યની બધીજ પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં વિસ્તારવામાં આવશે.
રાજ્યની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં પર્યાવરણ પ્રયોગશાળા શરૂ કરાશે

Recent Comments