(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૭
આ વર્ષે રાજ્યમાં ચોમાસામાં વધુ વરસાદ થતાં અતિવૃષ્ટી થઇ હતી. પહેલાં વાવાઝોડાનો કહેર અને વરસાદની મોસમ પત્યા પછી માવઠા અને કમોસમી વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું. રાજ્યમાં માવઠાના કારણે છ લાખ હેક્ટરથી વધુ જમીનમાં પાકને નુકસાન થયું છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે મહત્ત્વની કેબિનેટ બેઠક યોજાઇ હતી. જે બાદ કૃષિમંત્રી આર.સી.ફળદુએ મીડિયા સમક્ષ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, જે ખેડૂતોને ૩૦ ટકાથી વધુનું નુકસાન થયું છે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને સહાય કરશે. અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાય તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં મળી જશે. કૃષિમંત્રી આર.સી.ફળદુએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે વીતેલા ૧૦થી ૧૫ વર્ષમાં વધુ વરસાદ થયો છે જેના કારણે ખેડૂતોને પાકમાં બહુ મોટુ નુકસાન થયું છે. જ્યારે જ્યારે ખેડૂતો પર કુદરતી આફત આવી છે ત્યારે ખેડૂતની પડખે ઊભા રહેવા માટે સરકારે પ્રમાણિકતાથી નિર્ણયો લીધા છે. રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદ અને પાછોતરા માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાક નષ્ટ પામ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે સર્વે કરીને જે ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે તેમને મદદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજ્યના ૨૫૧ પૈકી ૨૪૮ તાલુકાના ખેડૂતોની પડખે ઊભા રહેવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આજે થયેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ખેડૂતોને ઓનલાઇન એપ્લિકેશન કરાવીને જેને આ લાભ મળવાનો છે તે બધા જ ખેડૂતોના ખાતામાં જલ્દીથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. આ બધી જ કામગીરી ૩૧મી ડિસેમ્બર પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવો દાવો મંત્રીએ કર્યો છે. કૃષિમંત્રીએ મગફળીની ખરીદી અંગે જણાવ્યું કે, કેન્દ્રની નાફેડ દ્વારા રાજ્યના ૧૪૫ તાલુકામાં જ્યાં મગફળીનો પાક થાય છે ત્યાં ખરીદીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.