(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૩
રાજયમાં કમોસમી વરસાદ અને માવઠામાં પોતાના પાક ગુમાવનારા ખેડૂતોને રપ ડિસેમ્બરથી સરકાર સહાયતા ચૂકવવાની શરૂઆત કરશે. આજે ગાંધીનગરમાં સી.એમ. વિજય રૂપાણીએ પત્રકારોને જણાવ્યું કે, રપમી ડિસેમ્બર અટલબિહારી વાજપેયીના જન્મદિનથી કિસાન સહાયતા યોજનાનો પ્રારંભ કરાશે.
જયારે તીડના હુમલા અંગે કેન્દ્ર સરકારની મદદથી તેમનો નાશ કરવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, રપમી ડિસેમ્બરે રાજયમાં ૮ જગ્યાએ કૃષિ મહોત્સવો છે. આ કાર્યક્રમથી અમે ખેડૂતોને માવઠાંથી થયેલી નુકસાનીની સહાયતા ચુકવીશું. કિસાન સહાયતા યોજના અંતર્ગત રાજયના ર૩.પ લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારે ખેડૂતો માટે ૩૮૦૦ કરોડની રકમ સહાયતા પેકેજ તરીકે જાહેર કરી છે. ત્યારે આગામી રપમી તારીખથી આ સહાયતા ચુકવવાની શરૂઆત થશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, રપમી તારીખથી સરકાર માવઠાથી થયેલી નુકસાની માટે જાહેર કરેલ સહાયતા પેકેજની સાથે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના નાણાંની ચૂકવણી પણ શરૂ કરશે. ખડૂતોને તબક્કાવાર પેમેન્ટની ચૂકવણી કરવામાં આવશે. સરકાર આ દિને ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરશે. બનાસકાંઠાના તીડ આક્રમણ ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારની મદદ લેવામાં આવી છે, કૃષિ વિભાગની ટીમો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જે તીડ આવી ગયા છે તેમનો નાશ કરી અને તીડને અટકાવવા માટે કામ થઈ રહ્યું છે ત્યાર બાદ તીડથી થયેલી નુકસાની અંગે વિચારણા કરાશે. દરમ્યાન મુખ્યમંત્રી રૂપાણીએ રાજયભરમાં યોજાનારા ભાજપના કાર્યક્રમ વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આવતીકાલથી ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજયભરમાં સીએએના સમર્થનમાં કાર્યક્રમ યોજાશે. રાજયના નાગરિકોને આ કાયદા વિશે અને તેના ફાયદા વિશે અવગત કરાશે.