(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૭
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે આક્રમક તેવર દર્શાવવા સાથે વિરોધીઓને સ્પષ્ટ નિર્દેશ આપતા હોય તેમ જણાવ્યું હતું કે, હું વન-ડે મેચ રમવા નથી આવ્યો, ર૦-ર૦ રમવા આવ્યો છું, અડધી પીચે જ રમું છું.., કોઈપણ બિલ્ડર મારા ભાગીદાર નથી. રાજયમાં છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓને લઈ સરકાર સામે થઈ રહેલા પ્રહારો તથા મુખ્યમંત્રી રૂપાણીને બદલવાની અટકળોને લઈ મુખ્યમંત્રીએ આ પ્રકારનું આક્રમક નિવેદન આપ્યું કે પછી ઢીલી અને યોગ્ય કામ ન કરતી સરકારના પોતાની સામેના આક્ષેપો અનુસંધાને અથવા બિલ્ડર લોબીને ચેતવણી આપવા આવું નિવેદન આપ્યું હોવાની અટકળો વહેતી થઈ રહી છે.
અત્રે નોંધનીય છે કે રાજકારણમાં છેલ્લાં કેટલાય સમયથી રૂપાણીને બદલવાની અટકળો ચાલી રહી છે. તેવા સમયે તેમનું આ નિવેદન અટકળોને વિરામ આપવા માટેનો પ્રયાસ તો નથી ને એવો પણ સવાલ પૂછાઇ રહ્યો છે.
અમદાવાદમાં ગાહેડ અને ક્રેડાઇ નામના સંઘઠન દ્વારા આજથી પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય કેટલાક મંત્રીઓ પણ હાજર રહ્યાં હતા. આ ખાનગી કાર્યક્રમમાં શોનું ઉદઘાટન કર્યા બાદ રૂપાણીએ જરા હટ કે જે નિવેદન આપ્યું તેમાં તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી બન્યો ત્યારે પણ કહ્યું હતું કે હું ૨૦-૨૦ રમવા આવ્યો છું….? એટલે હું ક્રીઝની ચિંતા નથી કરતો. હું તો અડધી પીચે જ રમુ છું. લોકહિતના નિર્ણય લેવામાં ક્યારેય કશાચ રાખી નથી. મારે ક્રીઝની ચિંતા કરવાની જરૂર નથી. હું ઝડપી નિર્ણય લઈ શકું છું. કારણ કે અમદાવાદ, સુરત, વડોદરામાં મારી એક ઈંચ પણ જમીન નથી. (બિલ્ડરલોબીમાં)મારા કોઈ ભાગીદાર પણ નથી, એટલે મને ચિંતા કરવાની આવશ્યકતા નથી.
તેમણે કહ્યું કે, હું સ્પષ્ટ વક્તા છું અને ઝડપથી નિર્ણય લઈ શકું છું. અમારા વિભાગને સૂચના છે કે, દર વર્ષે ૧૦૦ ટીપી મંજૂરી થવી જોઈએ. હું આવ્યો ત્યારે જ કહ્યું હતું કે, હું વન-ડે રમવા નથી હું લોકોના કામ માટે જે થતું હોય તે કરું છું. અમદાવાદની બે-ચાર ટીપી કોમ્પ્લિકેટેડ છે. સળગતામાં હાથ નાંખતા લોકો બીતા હોય છે. સળગતામાં તો મારે પાણી નાંખવું છે. મારે ક્યાં દિવાસળી ચાંપવી છે ? આપણે વિકાસને આગળ વધારવાનો છે. ક્યાંય મારી કોઈ જમીન નથી. અહી બેસેલો કોઈ (બિલ્ડર) મારો ભાગીદાર પણ નથી. આ કારણે ઈમાનદારીથી કામ કરુ છું. મારો કોઈ પર્સનલ એજન્ડા નથી. લોકોનું ભલું એ જ મારો એજન્ડા છે.
દરમ્યાન, રાજકિય સૂત્રોએ સીએમ રૂપાણીના નિવેદનને એ રીતે સમજવાનો પ્રયાસ કર્યો કે ૨૦૧૫માં પાટીદાર આંદોલન બાદ આનંદીબેન પટેલના (ના)રાજીનામા પછી નીતિન પટેલનું નામ ગાજતું થયું અને તેમણે ગુજરાતના સૂત્રધાર તરીકે તેમની પ્રાયોરીટીના ઇન્ટરવ્યૂ પણ આપવાની શરૂઆત કરી હતી. જો કે સાંજે તેમના બદલે રૂપાણીનું નામ આવતાં ત્યારથી પાટીદાર સમાજ ભાજપથી નારાજ છે. રૂપાણીની સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલે છે, સરકારના હોમ સહિતના અન્ય મહત્વના નિર્ણયો “બહાર” થી લેવાય છે અને અમલ કરવા રૂપાણી પર દબાણ કરાય છે. સીએમ બદલાશે એવી અટકળોમાં અનેક તારીખો પણ પડી છે. પોતાની આસપાસ વિપરીત રાજકિય ધૂમ્મસને સાફ કરવા માટે રૂપાણીએ ગુજરાતની આખી બિલ્ડર લોબી મોજૂદ હોય તેવા કાર્યક્રમના મંચનો ઉપયોગ કરીને ૨૦-૨૦ મેચ, એક ઇંચ પણ જમીન નથી, કોઇ બિલ્ડર ભાગીદાર નથી એવા નિવેદનો (આનંદીબેન સામે એવા આરોપો થયા હતા) દ્વારા પોતાની સ્લેટ કોરી છે એ બતાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાના અનુમાનો વ્યક્ત થઇ રહ્યાં છે. વિરોધીઓ દ્વારા ઉપરાઉપરી સરકારી પરીક્ષાના પેપરો ફૂટી જવાના પગલે પોતાને ઢીલા સીએમ ચિતરવામાં આવે છે ત્યારે તેઓને આ રીતે રૂપાણીએ ખોંખારીને જવાબ આપ્યો કે હું બિલ્ડર લોબીનો નથી, ઢીલો નથી અને ઓલરાઉન્ડર બેટ્‌સમેનની જેમ અડધી પીચે જ રમુ છું.. એમ પોતાની રાજકિય સ્થિતિ મજબૂત કરવાનો પણ રૂપાણીએ ઇશારો કર્યો હોય તેમ પણ માનવામાં આવી રહ્યું છે.