(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
રાજ્યમાં અનામત વર્ગની મહિલાઓ ૭૦ જેટલા દિવસથી આંદોલન પર છે અને અનામત અંગેના સરકારના પરિપત્રના વિવાદને લઈ તેઓ તથા બિનઅનામત વર્ગ દ્વારા ઉગ્ર આંદોલન હાથ ધરાતા આખરે ગતરોજ સરકાર દ્વારા ઉકેલ લાવવા નિર્ણયો લેવાતા અને છેલ્લા કેટલાક દિવસોની મથામણની કવાયતમાંથી બહાર આવતા હવે મુખ્યમંત્રીએ વિપક્ષ કોંગ્રેસ ઉપર નિશાન તાકી આંદોલન ભડકાવવાના આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા સમાજોને લડાવ્યા છે. આટલી બધી દીકરીઓને નોકરી મળી રહી છે, ત્યારે વિરોધીઓ ભોઠા પડ્યા છે. બધા વિરોધ કરનારા માત્ર રાજકારણ કરે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલઆરડી વિવાદ અંગે જણાવ્યું કે, ’આ બધા માત્ર રાજકારણ કરે છે. મૂળ વાતા જે દીકરીઓ નોકરી માટે આંદોલન કરી રહી હતી તે બધી દીકરીઓને નોકરી મળી રહી છે ત્યારે આ બધા જ ભોંઠા પડ્યા છે. આ વિરોધ કરનારાને નોકરીમાં રસ નથી માત્ર રાજકારણનાં રોટલા શેકવા છે. જે દીકરીઓનાં સારા માર્ક્સ ઉપરાંત પણ ૧૮નો જીઆર નડતો હતો તો સરકારે હાલ આ ભરતી માટે જીઆરને બાજુમાં મુકી દીધી છે. જેથી દરેક વર્ગની દીકરીઓને નોકરી મળશે અને અનામતનું પણ રક્ષણ થશે.’ મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, ’હું ખુલ્લો પડકાર ફેંકુ છુ કે, તમામ સમાજને લાભ થયો છે. બધા સમાજની દીકરીઓને વધુ નોકરી મળે તે જોવામાં આવ્યું છે.’ મુખ્યમંત્રીએ વધુ પ્રહાર કરતા જણાવ્યું કે, ’કૉંગ્રેસે હંમેશા સમાજોને લડાવ્યાં છે. સમાજ સમાજ વચ્ચે અંતર થાય તેવું રાજકારણ જ કર્યું છે. ભૂતકાળનાં આંદોલનો પણ કૉંગ્રેસે કરાવ્યાં હોય અને આ બાબતમાં કૉંગ્રેસ મથી રહી છે તેવું હું માનું છું.’