(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર૧
રાજ્યમાં ગેરકાયદેસર રીતે રેતી ખનનના વધી ગયેલા વેપલાને અંકુશમાં લેવા સરકાર દ્વારા પ્રયાસો કરાતાં હોવાની ગુલબાંગો હાંકવામાં આવતી રહે છે. પરંતુ ગેરકાયદે રેતીખનનનું કામ જેમનું તેમ ચાલી રહ્યું છે. ત્યારે હવે સરકાર ગેરકાયદે ખનન અને નદીઓમાંથી બિનઅધિકૃત રીતે રેતી કાઢવાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા ખાણ ખનીજ વિભાગમાં ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હવે રાજ્યભરમાં આ પ્રકારની પ્રવૃત્તિ પર ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ સિસ્ટમ બાજ નજર રાખશે. મુખ્યમંત્રીએ આ આધુનિક ટેકનોલોજી વિનિયોગને ‘ત્રિનેત્ર’- ત્રીજા નેત્રની ઓળખ આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, આ સરકાર કોઈપણ પ્રકારની ભ્રષ્ટ પદ્ધતિઓ, ગેરકાયદે પ્રવૃત્તિઓ પર સતત નજર સતર્કતા દાખવીને ભ્રષ્ટાચાર રહિત પારદર્શી શાસનના અડગ – નિર્ધાર સાથે વિચલિત થયા વગર કાર્યરત છે. મુખ્યમંત્રી રૂપાણીએ ખનિજચોરી પર અંકુશ મેળવવા અને આ પ્રવૃત્તિને સંપૂર્ણ નેસ્તનાબુદ કરવા ખનિજ સંવેદનશીલ વિસ્તારોમાં ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેકનોલોજીનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યુંં હતું કે, રાજ્યના વિવિધ વિભાગોની કામગીરી સમીક્ષા એક માસ સુધી સતત કર્યા બાદ પોલીસ ખાણ ખનીજ સહિતના પ્રજાને સીધા સ્પર્શતા વિભાગોમાં ટેકનોલોજીનો ઉપયોગ સુસજજ મેનપાવર અને પારદર્શિતા- સંવેદનશીલતા માટે જે મહત્ત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે તેની ફલશ્રુતિએ આ ત્રિનેત્ર ડ્રોન સર્વેલન્સ ટેકનોલોજીનો પ્રારંભ કર્યો છે.