અંકલેશ્વર,તા.ર૬
અંકલેશ્વર ભરૂચ સ્થિત વીજકંપની કચેરી દ્વારા ગ્રાહકોના ધ્યાન બહાર જ ગ્રાહકો પાસેથી વીજ વપરાશ પેટે વધુ નાણાં ખંખેરવાનો છુપો ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો છે.
વીજ કંપનીના નિયમો અનુસાર વીજ વપરાશના સ્લેબ નક્કી કરાયા છે જે મુજબ ૧થી ૧૦૦ યુનિટ વપરાશ માટે પ્રતિ યુનિટ રૂા.૩.૦પ રૂા. લેખે વીજખર્ચ વસૂલાય છે. આજ રીતે ૧૦૧થી ર૦૦ યુનિટ માટે પ્રતિયુનિટ રૂા.૩.પ૦, ર૦૧થી ૪૦૦ યુનિટ માટે રૂા.૪.૧પ પ્રતિયુનિટ, ૪૦૧થી પ૦૦ યુનિટ માટે પ્રતિ યુનિટ રૂા.૪.રપ અને પ૦૧થી વધુ યુનિટ માટે રૂા.પ.ર૦ પ્રતિ યુનિટ ચાર્જ વસૂલવામાં આવે છે. સુરત સહિતના અન્ય શહેરોમાં વીજકંપની પ્રતિ માસ બિલ આપે છે. આથી જો ૧ મહિનામાં જો ૧૦૦ યુનિટ સુધીનો વપરાશ થયો હોય તો રૂા.૩.૦પ લેખે ૩૦પ રૂા. બિલ આવે પરંતુ અંકલેશ્વરમાં વીજકંપની દ્વારા દર બે મહિને બિલ આપવામાં આવે છે જેથી સ્વાભાવિક વાત છે કે ૧થી ૧૦૦ કે ૧૦૧થી ર૦૦ યુનિટના વપરશનો લાભ ગ્રાહકોને મળતો નથી. બે મહિને જો ૪૦૦ યુનિટ વીજ વપરાશ થાય તો રૂા.૧૬૬૦ બિલ થાય અને મીટર ચાર્જ અલગથી વસૂલવામાં આવે. મહિને બિલ આવે અને જો ર૦૦ યુનિટનો વપરાશ હોય તો ૭૦૦ રૂા. જ બિલ આવે આમ બે મહિને ૧૪૦૦ રૂા.થાય એના બદલે સીધું બે મહિનાનું બિલ આપીને વીજ કંપની ૪૦૦ યુનિટ વપરાશ ગણી રૂા.૪.૧પ પ્રતિયુનિટ લેખે રૂા.૧૬૬૦નું બિલ ફટકારે છે. જેથી ગ્રાહકને રૂા.ર૬૦ વીજ વપરાશ પેટે વધુ ચુકવવાના થાય છે.
બીજી બાબત એ છે કે બે મહિનાના બિલ બે મહિના ઉપર બે ચાર દિવસ પછી આપવામાં આવે છે જેથી એ ચાર દિવસમાં વપરાયેલા યુનિટ પણ બિલ વધારવામાં વીજકંપનીને ફાયદો કરાવે છે.
ગ્રાહકો જો જાગૃત બને તો આ બાબતે ઉચ્ચસ્તરે રજૂઆત કરી પોતાના નાણાં બચાવી શકે છે. અગાઉ ઘણીવાર આ બાબતે રજૂઆત કરાઈ છે પરંતુ વીજકંપનીએ કોઈની રજૂઆત ધ્યાને ધરી નથી.
ગ્રાહકો દરમહિને બિલ ભરવા તૈયાર હોવા છતાં વીજકંપની દર મહિને બિલ આપવામાં કેમ આનાકાની કરે છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય એવી બાબત છે. આ અંગે વીજકંપનીના અધિકારીઓએ લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે પ્રતિ ૧૦૦ યુનિટના સ્લેબ પ્રમાણે જ બિલ બને છે. પરંતુ સ્ટાફ અને સ્ટેશનરીનો બચાવ થાય એ માટે બે મહિને બિલ આપવામાં આવે છે વધુ નાણાં લેવાતા નથી. ગ્રાહકોએ જાગૃત બની હવે વીજકંપની પાસે જવાબ માંગવાની જરૂર છે. આ દિશામા સામાજિક આગેવાનો પણ સક્રિય બને એ જરૂરી છે.