(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૬
રાજેશ ટાવર રોડ ઓલમાઇટી એવન્યું સોસાયટીમાં વીજકરંટ લાગતા પિતા અને પુત્રનું મોત નિપજ્યું હોવાના બનાવ અંગે વીજ કંપનીએ અમારી જવાબદારી નથી તેમ કહી હાથ ખંખેરી નાંખતા રહીશોમાં ભારે રોષની લાગણી જન્મી છે. બીજી બાજુ મંગળવારની સવારે સયાજી હોસ્પીટલ ખાતે પિતા અને પુત્રનાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનોને મૃતદેહનો કબ્જો સુપ્રત કરવામાં આવ્યો હતો. બપોર બાદ પિતા અને પુત્રની સ્મશાનયાત્રા નિકળશે તેમ જાણવા મળ્યું હતું.
સ્માર્ટ સીટીના લીરેલીરા તેમજ ચિથરે હાલ જેવા દ્રશ્યોની વણઝાર જામી હતી. ખાબકેલા વરસાદે સ્માર્ટ સીટીનાં નામે વડોદરાનાં વિકાસનાં બણગા ફૂંકતા શાસકોને અરીસો બતાવી દીધો છે. વરસાદમાં કોર્પોરેશને પ્રિમોનસુન કામગીરીને પાછળ ખર્ચેલા કરોડો રૂપિયા ધોવાઇ ગયા છે. બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં અને ઘરોમાં પાણી ભરાવાથી તેમજ લોકોનાં વાહનો પાણીમાં ગરમકાવ થઇ જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. મદદની પોકારના સતત સંદેશાનો મારો શરૂ થતા સેવાસદન વહીવટીતંત્રના અધિકારીઓની હાલત કફોડી થઇ હતી. સર્વત્ર જળબંબાકાર અને માર્ગોનું ધોવણથી ભ્રષ્ટાચારની પોલ ખોલતા મેસેજ સોશ્યલ મિડીયા પર ફરતા થયા હતા. મોડી સાંજે રાજેશ ટાવર પાલે ઓલમાઇટી એવન્યુની સોસાયટીમાં પણ પાણી ભરાઇ ગયા હતા. સોસાયટીમાં રહેતા વિપુલ નિરંજન બ્રહ્મભટ્ટ તથા નિરંજન બ્રહ્મભટ્ટ કાર હંકારી આવી પહોંચ્યા હતા. કારમાંથી નીચે ઉતરવા જતા પિતા નિરંજન બ્રહ્મભટ્ટને વીજ કરંટ લાગ્યો હતો અને પુત્ર નિરંજન બ્રહ્મભટ્ટ પિતાને બચાવવા જતા તેઓ પણ ચોંટી ગયા હતા. પરિવારની નજર સામે એકજ પરિવારના બે સભ્યો (પિતા-પુત્ર) ને વીજ કરંટ લાગ્યો હોવાના બનાવથી તેમના માથે આભ તુટી પડ્યું હતું.
એક કલાક બાદ વીજ કંપનીના કર્મચારીઓ મદદે આવ્યા હતા. સોસાયટીમાં રહીશોની મદદની પોકાર છતા કોઇ મદદે નહીં આવતા રહીશોમાં રોષની લાગણી ભભુકી હતી. મરનાર પિતા અને પુત્રનાં મૃતદેહને સયાજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. મંગળવારની સવારે પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતક પિતા અને પુત્રનો મૃતદેહ તેમના પરિવારને સુપ્રત કરવામાં આવ્યો હતો.