મોડાસા,તા.ર૧
મોડાસા શહેરના કસ્બા વિસ્તારમાં પહાડપુર રસ્તા પર ગત ગુરૂવારે વરસતા વરસાદમાં વીજળી પડતા યુવાનનું મોત નીપજયું હતું. અકાળે કુદરતના પ્રકોપનો ભોગ બનેલા યુવાન અબ્દુલ હમીદ મહંમદભાઈ બેલીમની એક પુત્રી અને પત્ની નિરાધાર બની ગયા હતા. ગુલામહુસેન આઈ. ખાલક તથા સામાજિક કાર્યકર ઉસ્માનભાઈ લાલાએ પરિવારને ઝડપથી સરકારી સહાય મળે તે માટેના સાધન પ્રયત્નો શરૂ કરી દીધા હતા. સરકારી અધિકારીઓને સમગ્ર ઘટનાક્રમ તથા પરિવારની આર્થિક બેહાલીની સચોટ રજૂઆત સંદર્ભે મોડાસા મામલતદાર આર.બી. પટેલિયા દ્વારા મરનાર યુવકની વિધવાને રૂા.૪.૦૦ લાખની સહાયનો ચેક અર્પણ કરી દેવામાં આવેલ છે. મરનાર યુવકની એક વર્ષની પુત્રી અને પત્ની પર આભ ફાટવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ અને બેલીમ પરિવાર નિઃસહાય બની ગયું હતું અને આર્થિક સંકડામણે પરિવારના ભવિષ્ય સમક્ષ પ્રશ્નાર્થ ઉભી કરી દીધો હતો. તેવામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓની સચોટ અને પરિણામલક્ષી રજૂઆતથી પરિવારને ૪.૦૦ લાખ રૂપિયા મળતા પરિવારે હાલ તુરંત તો હાશકારો અનુભવ્યો છે. નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ગુલામહુસેન ખાલક તથા સામાજિક કાર્યકર ઉસ્માનભાઈ લાલાના ઉમદા અને પ્રશંસનીય કાર્યની લોકોએ સરાહના કરી છે.