(સંવાદદાતા દ્વારા) સાવરકુંડલા, તા.૬
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે તાજેતરમાં છથી સાત નાની-મોટી ચોરીઓ થવા પામી છે. છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જના હવાલે એવા વીજપડી આઉટપોસ્ટમાં કોઈનો રેગ્યુલર ઓર્ડર કેમ કરવામાં આવતો નથી ? તેમ જાગૃતજનો પૂછી રહ્યા છે. આ બાબતે એસપી તથા નવા આવેલા ડીવાયએસપીનું પણ કોઈ ધ્યાન દોરતું નથી ? કોઈની કાયમી નિમણૂક થતી નથી. વીજપડી પોલીસનો સ્ટાફ કોઈ ખાસ બનાવ બને ત્યારે જ દેખાય છે. નાઈટમાં આવતી જીપ પણ બસ સ્ટેન્ડ ઉપર ચા-પાણી પીને જતી રહે છે. તેવું પૂર્વસરપંચ યાકુબ રસભર્યાએ જણાવ્યું છે. વધુમાં જણાવ્યું છે કે, ડીએસપી તથા નવ નિયુક્ત ડીવાયએસપીને જાહેર નિવેદન દ્વારા વધુમાં જણાવ્યું છે કે, અત્રેના કાયદો વ્યવસ્થાના પ્રશ્નો બાબતે માત્રને માત્ર જૂના કર્મચારીઓ પોતાનું સ્થાન ટકાવવા અધિકારીઓને સાચી માહિતી આપતા નથી તેમજ ગેરમાર્ગે દોરતા હોવાનું જણાય છે. અત્રેનો ડ્રાઈવરથી લઈને એએસઆઈ સુધીનો સ્ટાફ તાલુકામાંથી શહેરમાં અને શહેરમાંથી ડીવાયએસપી ઓફિસમાં અથવા તો બે-ચાર મહિના બહાર ગામ બદલીને સ્થળ ફરજ બજાવી ફરી જૂના સ્થાને પરત ગોઠવાઈ જાય છે. જે કાર્યકરો આ બાબતે જાહેર હિતમાં કયાંય રજૂઆત કરે તો તેઓને મદદગારીમાં ફીટ કરી દઈશું. એટ્રોસિટી દાખલ કરાવી દઈશું. વગેરે ધાક ધમકીઓ આપવામાં આવે છે. તેવો આક્ષેપ કરાયો છે. ડીએસપી જાતે તપાસ કરે તો અનેક વિગતો જાણવા મળશે. જિલ્લાભરમાં તટસ્થ ચૂંટણી યોજાય એ માટે જે તે તાલુકાના વતની હોય, એકથી વધુ વખત નિમણૂક પામ્યા હોય, બદલી થઈ હોય પણ છૂટા કરવામાં આવ્યા ન હોય તેવા તમામ સામે તાત્કાલિક પગલાં લેવાની માગણી સાથે વીજપડી ઓપીમાં કાયમી નિમણૂક કરવા એક નિવેદનમાં યાકુબ રસભર્યાએ માગણી કરેલ છે.