અંકલેશ્વર, તા. ૧૯
અંકલેશ્વર જીઆઇડીસી ની પહેલી પાણીની ટાંકી થી લઇને અતુલ ચોકડી વચ્ચે હાઇટેન્શન વીજ લાઇનમાં અને ઠેકાણે જોઇન્ટ મારલા છે, પ્રિમોન્સુન કામગીરી દરમ્યાન ડી.જી.વી.સી.એલ. ના સત્તાધીશોએ ઝાડોના ડાળખા પણ કાપ્યા નથી પરીણામે વરસાદ સાથે ફુંકાતા પવન ને કારણે શોર્ટસર્કિટ થાય છે અને કલાકો સુધી વિજ પૂરવઠો ગુલ થઇ જાય છે.આજ વિસ્તારમાં ટેક્ષટાઇલ યુનિટ ધરાવતા જહાગીરખાન પઠાણે રોષભેર જણાવ્યુ હતું કે વીજ કંપની નો વહિવટ ખાડે ગયો છે. પ્રિમોન્સુન કામગીરીમાં ધાંધીયા જોવા મળી રહ્યા છે. છેલ્લા ૧૫ દિવસો દરમ્યાન શોર્ટસર્કિટના દશ થી બાર બનાવો બન્યા છે અને તેના પરીણામે ઔદ્યોગિક ઉત્પાદન પ્રક્રિયા બંધ થઇ જતાં લાખો રૂપિયાનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. તેમજ રોજમદાર કામદારોને પણ રોજી ગુમાવ્વી પડી છે. જહાંગીરખાન પઠાણે વધુમાં જણાવ્યુંં હતુ કે જો ડી.જી.વી.સી.એલ. ના સત્તાધીશો આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવશે તો કામદારો વિશાળ રેલી યોજી વીજ કંપની ની કચેરીએ રામધુન તેમજ ઉદ્યોગોને તાળા મારી તેની ચાવી વીજ કંપનીને સુપરત કરશું.