મુંબઈ, તા.૩૦
ફિલ્મી દુનિયાના દિગ્ગજ સ્ટાર વિજુ ખોટેનુ ૭૭ વર્ષની વયમાં આજે સવારે અવસાન થયુ હતુ. સવારે ૬.૫૫ વાગે તેમનુ અવસાન થતા આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ. વિજુ ખોટેના પરિવારના સભ્યોએ કહ્યુ હતુ કે તેમના શરીરના કેટલાક ભાગ કામ કરવા બંધ કરી ગયા હતા. જેના કારણે હાલમાં તેઓ ભારે પરેશાન હતા. સુપરહિટ ફિલ્મ શોલેમાં વિજુ ખોટેએ કાલિયાની યાદગાર ભૂમિકા અદા કરી હતી. જેના કારણે વિજુ ખોટે લોકપ્રિય થયા હતા.વિજુ ફિલ્મ શોલેમાં અદા કરવામાં આવેલા પોતાના આઇકોનિક કરેક્ટર કાલિયા અને તેમના ડાયલોગ કિતને આદમી થે અને દો સરકારના કારણે લોકપ્રિય થયા હતા. વિજુની સંબંધી ભાવના બસસાવરે માહિતી આપતા કહ્યુ છે કે તેમનુ સવારે ૬.૫૫ વાગે નિધન થયુ હતુ. ભાવનાએ કહ્યુ હતુ કે તેઓ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેવા માટે ઇચ્છુક ન હતા. જેથી તેમને થોડાક દિવસ પહેલા જ ઘરે લઇને આવી ગયા હતા. ચંદનવાડીમાં મોડેથી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. હિન્દી ફિલ્મોની સાથે સાથે વિજુએ મરાઠી સિનેમામાં ભૂમિકા વધારે અદા કરી હતી. તેમની ડેબ્યુ ફિલ્મ માલક હતી જે ૧૯૬૪માં રજૂ કરવામાં આવી હતી. ફિલ્મ તેમના પિતા નન્દુ ખોટેએ બનાવી હતી. તેઓ સાઇલન્ટ કોમેડી માટે જાણીતા હતા. ફિલ્મમાં એન્ટ્રી કરતા પહેલા વિજુ ખોટે પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા. વિજુ કોમેડી રોલમાં વધારે સંતુષ્ટ હતા. વિજુએ પોતાને વિલનના રોલમાંથી કોમેડી રોલમાં શિફ્ટ કરી લીધા હતા. વર્ષ ૧૯૬૪માં કેરિયર શરૂ કરનાર પીઢ અભિનેતા વિજુ ખોટેએ ૩૦૦થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં ભૂમિકા અદા કરી હતી.