(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.પ
એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારો વિકાસકામોના બણગાં ફૂકે છે ત્યારે જ સુરત જિલ્લાના અતિપછાત ઉમરપાડા તાલુકાનું સો ટકા આદિવાસી વસ્તી ધરાવતું ચીતલદા ગામ છેલ્લા ઘણા લાંબા સમયથી વિકાસકામોથી વંચિત રહ્યું છે. ત્યારે ગ્રામજનોએ સરકાર અને ચૂંટાયેલા પદાધિકારીઓને ઉંઘમાંથી જગાડવા માટે આગામી તારીખ-૮મી ઓક્ટોબર ર૦૧૮ના સોમવારે, ચીતલદા ગામે યોજાનારી ગ્રામસભાનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને આ અંગે ગ્રામજનોએ પોતાની સહીઓ સાથે ઉમરપાડાના તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ પણ કરી દીધી છે.
લેખિતમાં જે જાણ કરવામાં આવી છે એમાં જણાવાયું છે કે ચીતલદા ગ્રામ પંચાયતને વિકાસના કામોથી વંચિત રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આજ દિન સુધી યોજાયેલી ગ્રામસભાઓમાં વિકાસના કામોથી વંચિત રાખવામાં આવી રહી છે. વધુમાં જણાવાયું છે કે તાલુકાની અન્ય ગ્રામપંચાયતોને વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય ત્યારે ચીતલદા ગ્રામ પંચાયતને કેમ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી ?