અમદાવાદ,તા. ૨૧
ભાજપ સરકારનો વિકાસ માલ ઓછો અને હવા વધારે હોય એવા પડીકા જેવો છે. જેમાં રોડ-રસ્તા ખાડે ગયાને પ્રજાના હાડકાં ભાંગી ગયા છતાં જાપાનના વડાપ્રધાનને પણ ભાજપે બતાવ્યું કે, વિકાસ ગાંડો થયો છે. નોટબંધી અને જીએસટી પછી ટેકનીકલ અને આર્થિક મુશ્કેલીઓથી વિકાસનો વેપાર આડેધડ થઇ ગયો છે. તો છેલ્લા ૨૦ વર્ષોમાં સાત વાયબ્રન્ટ યોજવા છતાં આજે પણ વિકાસ બેરોજગાર છે.
સખીમંડળથી લઇ નલિયાકાંડ સુધી સ્ત્રી સશક્તિકરણનો રૂપાળો વિકાસ કરનાર દુષ્કર્મી થઇ ગયો છે. રાજયસભાની ચૂંટણી બાદ રાજયના વિકાસમાં પરિવર્તન દેખાતાં ભાજપ સરકારમાં ગાંડા થયેલા વિકાસને તોફાની બનાવવા સરકારીતંત્રનો દૂરપયોગ થઇ રહ્યો છે પરંતુ વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાતની પ્રજા ગાંડા થયેલા વિકાસને ભૂલશે નહી એમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.હિમાંશુ પટેલે જણાવ્યું હતું. ભાજપ પર માર્મિક કટાક્ષ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સંવેદનશીલ પ્રજાને છેલ્લા ૨૨ વર્ષોથી ગુમરાહ કરી ગોળ ગોળ ફેરવતી ભાજપ સરકારમાં વિકાસ એટલોબધો ઉત્સવ ઘેલો થયો છે કે, ગરીબ કલ્યાણ મેળાથી લઇ નર્મદા મહોત્સવ સહિતના મેળાઓ અને ઉજવણી પાછળ કરોડો રૂપિયાનું આંધણ થયું છે. માત્ર સત્તાના સ્વાર્થમાં દિશા ભૂલી ગયેલા વિકાસ દ્વારા શિક્ષિત મહિલા નેતા આનંદીબહેન પટેલને ઘરભેગા કરી નવા મૂકાયેલા રબર સ્ટેમ્પ મુખ્યમંત્રી તો વિકાસના નામે એટલા બેબાકળા બન્યા છે કે, આગામી ચૂંટણી સુધીમાં વિકાસનું નામ લેનાર સામે રાજદ્રોહનો ગુનો લાગુ કરે તેવી પરિસ્થિતિ ભાજપ સરકારમાં સર્જાઇ છે. પ્રવેશોત્સવ, કૃષિ રથ, સ્વચ્છ ભારત હોય કે ગોકુળીયા ગામથી સ્માર્ટ સીટી પણ વિકાસની ગુણવત્તા સુધરી નથી. ગુજરાતમાં માથાદીઠ કરોડો રૂપિયાના દેવાનો વિકાસ મૂકી જનાર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા પછી માત્ર અઢી વર્ષમાં રૂ.૧૧૦૦ કરોડની જાહેરખબરોથી વિકાસને દરેક ક્ષેત્રે છવાઇ દીધો છે.