વાગરા.તા.૭
વાગરાના ખોજબલ ગામે દબાણ દૂર કરવા ગયેલ તાલુકા પંચાયતની ટુકડીને દબાણકર્તા દ્વારા દબાણ દૂર ન કરવા દેતા વહીવટી તંત્રની ટીમને દબાણ દૂર કર્યા વિના વિલા મોઢે પરત ફરવાની ફરજ પડી હતી.
વાગરા તાલુકાના ખોજબલ ગામના માયાવન્સી ફળીયામાં રહેતા નટુભાઈ કલ્યાણ પરમારે જાહેર માર્ગ ઉપર દબાણ કર્યું હોવાની ફરિયાદ ગામમાં રહેતા ઇશાક ઈબ્રાહીમ પટેલ દ્વારા ખોજબલ ગ્રામ પંચાયતને કરવામાં આવી હતી. જે અનુસંધાને દબાણ શાખા દ્વારા દબાણ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીમાં અનેકવાર વિલંબ કરવામાં આવતા અરજદાર દ્વારા અલગ અલગ જગ્યાએ રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પરિણામ શૂન્ય રહેતા ઇશાક પટેલે હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. જે અનુસંધાને હાઇકોર્ટ દ્વારા અરજદારની ફરિયાદના આધારે દબાણ દૂર કરવા હુકમ કરાયો હતો. જેથી વાગરા તાલુકા વિકાસ અધિકારી મકવાણા ગામમાં સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે પોલીસ કાફલા સાથે ખોજબલ ગામે દબાણ હટાવવા પહોંચ્યા હતા જ્યાં દબાણકર્તા દ્વારા ટીડીઓ તેમજ ગામના સરપંચ સાથે તુતું-મેમે કરતા માહોલમાં ગરમાટો પ્રસરી ગયો હતો. દરમિયાન નટુ કલ્યાણની બહેન રમીલાબેનને અચાનક ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડતા દબાણ કર્તા દ્વારા દબાણ દૂર કરવા આવેલા વહીવટી તંત્રના અધિકારીઓની સામે ફરિયાદ કરવાની ધમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. દબાણકર્તા નટુ કલ્યાણ પરમારને તાલુકા વિકાસ અધિકારી બી.એચ મકવાણા દ્વારા દબાણ દૂર કરવા વધુ એક મહિનાનો સમય આપવામાં આવતા નટુ પરમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમો દબાણ દૂર કરવા આવો તો નકશો લઈને આવજો. અંતે દબાણ દૂર કરવા પહોંચેલ તાલુકા પંચાત ની ટુકડી તેમજ ગ્રામ પંચાયતની ટીમને દબાણ દૂર કર્યા વિના વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. સમગ્ર બાબતે વાગરા ટી.ડી.ઓ.નો ટેલીફોનિક સંપર્ક સાધતા તેઓ એ ફોન રિસીવ કરવાની તસ્દી સુધ્ધાં લીધી ન હતી.
ધારાસભ્યએ ટી.ડી.ઓ.ને ખખડાવ્યાની વહેતી થઈ ચર્ચા…..
વાગરાના ખોજબલ ગામે દબાણ દૂર કરવા પહોંચેલ વહીવટી તંત્રની ટીમને દબાણકર્તા દ્વારા મચક ન આપવામાં આવતાં આખરે તંત્રને દબાણ દૂર કર્યા વિના પરત ફરવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે દબાણ દૂર કરવા તાલુકા પંચાયતની ટુકડીને લઈ ખોજબલ ગામે પહોંચેલા વાગરા તાલુકા વિકાસ અધિકારીને ધારાસભ્ય એ ફોન પર ખૂબ તતડાવ્યા હોવાની ચર્ચાઓએ ખોજબલ ગામ સહિત આખાય વાગરા પંથકમાં ભારે ચકચાર જગાવી દીધી છે. વધુમાં ટી.ડી.ઓ. ધારાસભ્યના દબાણમાં આવીને કામગીરી અધૂરી છોડીને પરત ફરી ગયાની વિગતો પણ સપાટી પર આવી છે.