(એજન્સી) કાઠમંડુ, તા.ર૭
નેપાળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલ જીવલેણ વિમાન દુર્ઘટના પાછળ સત્તાધીશોએ પાયલોટને જવાબદાર ગણાવતા કહ્યું કે પાયલોટના કૌશલ્ય પર સવાલ ઉઠ્યા બાદ તે અતિભાવુક થઈ રડી પડ્યો હતો. જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં પર લોકોનાં મૃત્યુ થયા હતા તેમજ આ હિમાલયના દેશોમાં છેલ્લા દાયકાઓમાં થયેલ સૌથી ભયંકર અકસ્માત ગણવામાં આવી રહ્યો છે. તપાસ અહેવાલના પ્રથમ ભાગમાં તારણ કાઢવામાં આવ્યું છે કે મહિલા સાથી કર્મચારીએ તેમની યોગ્ય સલાહકાર તરીકેની છબિ પર પ્રશ્ન કર્યા બાદ યુ.એસ. બાંગ્લા એરલાઈન્સ કેપ્ટન તણાવ હેઠળ અને વિચલિત હતા. આ તણાવને કારણે તે વારંવાર ધ્રુમપાન કરી રહ્યા હતા અને ઉડ્ડયન દરમ્યાન ઘણીવાર પોતાની લાગણીઓ પર કાબૂ ગુમાવ્યો હતો.
ઢાકાથી કાઠમંડુની આ ફલાઈટ દરમ્યાન બાંગ્લાદેશ વાયુસેનાના પૂર્વ પાયલોટ અને એરલાઈન્સના માર્ગદર્શક સુલતાનની વાતોનો સાથી પાયલોટે યોગ્ય પ્રતિસાદ ન આપતા તે અકળાયા હતા. કેપ્ટનની સતત વાતચીતના કારણે પ્રીપુલા રશિદ, સાથી પાયલોટનું ધ્યાન વિચલિત થયું હતું જે કાઠમંડુ એરપોર્ટ પર પ્રથમ વાર ઉતરાણ કરી રહી હતી.
બીજા એક અહેવાલ મુજબ અંતિમ સમયે ઉતરાણનું સ્થાન બદલાવવાને કારણે થોડી મૂંઝવણ ઊભી થઈ હતી. પરંતુ તેની વિમાન પર કોઈ અસર થઈ ન હતી. આ અંગે વધુ તપાસ જારી છે.
ઉલ્લેખનીય છે કે નેપાળ હવાઈ સુરક્ષા મુદ્દે ઘણું જ પાછળ છે. આ પહેલાં પણ અહીં ભારે અકસ્માત સર્જાઈ ચૂક્યા છે. યુરોપિયન યુનિયનના હવાઈ ક્ષેત્રોમાં નેપાળ આધારિત ફોરલાઈનના પ્રવેશ પર પ્રતિબંધ છે. સપ્ટેમ્બર ૧૯૯રમાં નેપાળ એરપોર્ટ પર થયેલ સૌથી વધુ ભયંકર અકસ્માત ૧૬૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં.