જામનગર,તા.ર૪
જામનગરથી દાયકાઓથી એક માત્ર મુંબઈની વિમાની સેવા ઉપલબ્ધ છે. જામનગરથી બપોરે વિમાન ઊડાન ભરે છે અને મુંબઈથી પણ બપોરની જ સેવા ઉપલબ્ધ છે. જામનગરથી હાલ ૯૦ ટકા મુંબઈ માટે હવાઈ મુસાફરો મળી રહે છે, પરંતુ ર૪ કલાકમાંથી માંડ એકાદ-બે કલાકનો એરપોર્ટનો ઉપયોગ થઈ રહ્યો છે. બાકીનો સમય એરપોર્ટ બિનઉપયોગી હોય છે. જો તેને ઓપરેટ કરી ઉપયોગમાં લેવામાં આવે તો લોકોને સેવા મળી રહે અને સરકાર વિમાની કંપનીને આવક પણ મળી રહે.
આ માટે જામનગર એરપોર્ટના અધિકારીઓ અનુપકુમાર ગુપ્તા અને તેની ટીમ દ્વારા સર્વ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં તેઓ જામનગર શહેર, જિલ્લો તથા દ્વારકા તેમજ આજુબાજુના જિલ્લાના લોકો જામનગરથી ક્યા શહેર માટે હવાઈ સેવા ઈચ્છે છે. તે સેવાનો સમય ક્યો અનુકૂળ રહે ? તે અંગે સર્વેક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. આ માટેનું ફોર્મ ભરીને પોતાનો અભિપ્રાય આપવા શ્રી ગુપ્તાએ અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે જામનગરની દિલ્હી માટેની હવાઈ સેવાની લાંબા સમયથી માંગણી પડતર છે.
જો આ સર્વે પછી લોકો તરફથી સારો પ્રતિસાદ સાંપડશે તો આગામી વર્ષોમાં જામનગરને વધુ એક વિમાની સેવા મળી રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલની જામનગર-મુંબઈની વિમાની સેવાનો સમય પણ બદલાવવામાં આવે તેવી લોકમાંગણી છે.