(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. બંને દેશોની એરફોર્સ વચ્ચે થયેલી એર કોમ્બેટની કેટલીક નવી જાણકારીઓ મળી છે જે અનુસાર એલઓસી પાસે ૨૪ પાકિસ્તાની વિમાનોને ભારતના લડાકુ વિમાનોએ પરત ભગાડ્યા હતા. આ આઠ વિમાનોમાં મિગ-૨૧ બાયસન વિમાન પણ સામેલ હતું જેને કમાન્ડર અભિનંદન વર્ધમાન ઉડાવી રહ્યા હતા. બુધવારે પાકિસ્તાનની ઘૂસણખોરીના પ્રયાસમાં પાકિસ્તાની વાયુસેનાના વિમાન ભારતીય સરહદમાં આશરે ૧૦ કિલોમીટર સુધી અંદર આવી ગયા હતા.
ટોચના સરકારી સૂત્ર અનુસાર ભારત સરકારે દાવો કર્યો છે કે, પાકિસ્તાનના વિમાન આશરે ૧૦ કિલોમીટર સુધી ભારતીય સરહદમાં ઘુસી આવ્યા હતા. આમાં પાકિસ્તાનના કુલ ૨૪ લડાકુ વિમાનો સામેલ હતા. જેના કારણે ભારતે જવાબી કાર્યવાહી કરવી પડી હતી. ભારતીય વાયુસેનાના ફક્ત આઠ વિમાનોએ તેમને ભગાડી મુક્યા હતા. સરકારી સૂત્રો અનુસાર ભારતે કહ્યું છે કે, જો પાકિસ્તાન સોદો કરવા માગે છે તો કાંઇ નહીં થાય. ભારતે કહ્યું હતું કે, અમને અમારા પાયલટ પરત જોઇએ છે. ભારતે પાકિસ્તાનની હિરાસતમાં રહેલા ભારતીય પાયલટ સાથે મુલાકાત માટે કોન્સ્યૂલર એક્સેસ માગી ન હતી અને તરત છોડી મુકવા માટે કહ્યું હતું. સાથે જ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન વિશ્વાસપાત્ર માહોલ ઉભું કરે તો જ મંત્રણા અંગે વિચારણા કરવામાં આવશે. ભારતે પાકિસ્તાનને પુરાવા આપ્યા છે જેથી તે કાર્યવાહી કરે પરંતુ પાકિસ્તાને અત્યારસુધી કોઇ કાર્યવાહી કરી નથી. ભારતે પાકિસ્તાનને કહ્યું કે, જૈશે મોહંમદે હુમલાની જવાબદારીસ્વીરકારી છે પરંતુ પાકિસ્તાન સરકાર કાંઇ કર્યા વિના રાહ જોઇ રહી છે. તે બાદ ભારતે ૨૬ ફેબ્રુઆરીના રોજ કાર્યવાહી કરી હતી.