અમદાવાદ,તા.ર૬
અમદાવાદમાં આર્ચર કેર નામની કંપનીની ઓફિસ ખોલી વિનય શાહે એકના ડબલ નાણાં આપવાનું કહી અનેક લોકોના રૂા.ર૬૦ કરોડનું ફુલેકુ ફેરવીને ફરાર થઈ ગયો હતો. ત્યારે સમગ્ર કૌભાંડની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી. ત્યારે રૂા.ર૬૦ કરોડની છેતરપિંડીના માસ્ટર માઈન્ડ વિનય શાહને એક યુવતી સાથે નેપાળ પોલીસે નેપાળના પોખરાની એક હોટલમાંથી ધરપકડ કરી છે. પાસપોર્ટ વગર કમિશન આપીને વિદેશી ચલણ એકસચેન્જ કરાવતો હોવાની માહિતીના આધારે નેપાળ પોલીસે તેને ઝડપી પાડયો હતો. ત્યારે કૌભાંડી વિનય શાહને લેવા સીઆઈડી ક્રાઈમની એક ટીમ નેપાળ ગઈ હોવાનું બહાર આવ્યું છે. આ દરમિયાન એવી વાત સામે આવી છે કે, ચંદા થાપા નામની આ મહિલા સાથે વિનયે પ્રેમનું તરકટ રચ્યું હતું અને લગ્ન કરીને નેપાળમાં જિંદગી વિતાવવાના તેને કોલ આપ્યા હતા. આ કારણે જ તે દિલ્હી, કાઠમંડુ થઈને અહીં પોખરા વિનય શાહની સાથે આવી હતી.આ મામલે સીઆઇડી ક્રાઇમે એવી સ્પષ્ટતા કરી હતી કે, ચંદા થાપા દિલ્હીના પંજાબી બાગ વિસ્તારમાં સ્પામાં કામ કરતી હતી જ્યાં તેનો પરિચય વિનય શાહ સાથે થયો હતો. હાલ તો તે વિનયની સ્ત્રી મિત્ર છે તેટલું જ કહી શકાય. વિનય શાહ પાસેથી નેપાળ પોલીસે ૩૧ લાખની કરન્સી, ડોલર, પાઉન્ડ, યુરો સહીત ગ્રીન પાસપોર્ટ ઝબ્બે કર્યો હતો. હાલ વિનય શાહ નેપાળ પોલીસની કસ્ટડીમાં છે. સીઆઈડીનો દાવો છે કે તેમની એક ટીમ ૨૩ નવેમ્બરથી જ નેપાળમાં હતી. નેપાળ પોલીસે વિનયને’ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ’ની વિવિધ કલમો હેઠળ પકડ્યો છે અને તેની કસ્ટડી નેપાળ પોલીસ પાસે જ હોઈ, આગામી દિવસોમાં ભારત સાથે થયેલી પ્રત્યાર્પણ સંધિ હેઠળ તેને અહીં લાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવશે તેવું સીઆઇડી ક્રાઇમ જણાવે છે.
આ પૂર્વે આ મામલામાં ફસયેલા ૧૦૦થી વધુ લોકોના નિવેદનો લેવાઈ ગયા છે અને લગભગ ૭૦ લાખથી વધુની રકમની છેતરપીંડી થઇ હોવાનું સામે આવ્યું છે. રાજકીય નેતા સુરેન્દ્ર રાજપૂતના પુત્ર સ્વપ્નિલ રાજપૂતની પણ આજરોજ સીઆઇડીએ પુનઃ પૂછપરછ કરી હતી. સીઆઇડીએ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ ગુનો જીપીઆઈડી એક્ટ હેઠળ નોંધાયેલો હોઈ, આગામી દિવસોમાં લોકોને તેમના નાણાં પરત મળવાની પૂરતી શક્યતા છે.

વિનય અને ચંદા દુબઈ ભાગી જવાના હતા

૨૬૦ કરોડના કૌભાંડી વિનય શાહની નેપાળ પોલીસે ધરપકડ કરી છે. તેમની પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. વિનય સાથે ઝડપાયેલી યુવતી ચંદા થાપા તેને ભગાડી દિલ્હીથી નેપાળ લઈ ગઈ હતી. બંનેએ પતિ-પત્ની બનીને દુબઈ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. બંનેએ નેપાળમાં એક મકાન પણ ખરીધ્યું હતું. જો કે, ચંદાએ ગુજરાતમાં અમદાવાદમાં પણ તેની સાથે કામ કર્યું હતું. કરોડોનું ફુલેકું ફેરવ્યા બાદ વિનય ગુજરાતથી દિલ્હી ફરાર થયો અને ત્યાંથી બંને નેપાળ નાસી છૂટ્યા હતા. નેપાળમાં ઝડપાઈ જવાના ડરે બંને પતિ-પત્ની બનીને રહેતા હતા. આરોપી શાહે નેપાળમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો હતો. ચંદાને પત્ની બનાવવા અને ઈન્વેસ્ટમેન્ટ માટે નકલી ડોક્યુમેન્ટ ઊભા કરવાના હતા. નકલી ડોક્યુમેન્ટ બનાવવા માટે નેપાળની કરન્સીની જરૂર હતી. આ માટે મની એક્સચેન્જ કરવવા જતાં તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ભારતમાં કૌભાંડ કરેલા પૈસે તે નેપાળમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો હતો.