અમદાવાદ,તા.૧પ
એક કા ડબલ કરી આપવાનું કહીને રૂા.ર૬૦ કરોડના કૌભાંડ કેસમાં આરોપી વિનય શાહે બપોરે ૧૧ પાનાને પત્ર વાયરલ થતા ચર્ચાના દોર શરૂ થઈ ગયો છે. ત્યારે આ સમગ્ર કેસમાં સુરેન્દ્ર રાજપૂતના પુત્ર સ્વપ્નિલ રાજપૂતે વિનય શાહ પાસેથી કરોડો રૂપિયા લેવાના હોવાની વાત કરી હતી. ઉપરાંત તેમની માનહાનિ થઈ હોવાથી બદનક્ષીની ફરિયાદ થઈ છે. ત્યારે આજે વિનય શાહ સાથે સુરેન્દ્ર રાજપૂત અને તેમના પુત્ર સ્વપ્નિલ રાજપૂત વચ્ચેની કથિત વાતચીતની ઓડિયો કિલપ વાયરલ થઈ છે. જેમાં વિનય શાહ કહે છે કે જે. કે. ભટ્ટને રૂા.૯૦ લાખ આપ્યા છે. આ ઓડિયો કિલપમાં વિનય શાહ અવારનવાર સ્વપ્નિલને તેના પોતાના કેસની વાત કરે છે. તેમજ જે.કે. ભટ્ટના નામનો અવારનવાર ઉલ્લેખ કરે છે. જયારે વિનય શાહની કંપનીમાં વસ્ત્રાપુર પોલીસના રાઈટર તેમજ ક્રાઈમ બ્રાન્ચના કેટલાક પોલીસ કર્મીઓએ પણ રોકાણ કર્યું હોવાની વાતો કરી રહ્યો છે. સ્વપ્નિલ રાજપૂત અનેવિનય શાહ વચ્ચેની વાતચીત કેટલી જુની છે અને કયા નંબર પરથી થઈ છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

કૌભાંડી વિનય સાથે સુરેન્દ્ર અને સ્વપ્નિલ રાજપૂત વચ્ચેની કથિત વાતચીતનો સારાંશ

સુરેન્દ્ર રાજપુતઃ જે ઓફીસર પાસેથી આપણે કામ લેવા છે તમે સમજ્યા તે ઓફીસરનુ નામ આમા આવતું થાય તો તે લોકોની કેરીયર બુરી થાય કેરીયર બુરી થાય તો રીટાયરમેન્ટ જગ્યાએ આ વસ્તુઓ ઉભી થાય તો તેમની વાત એવી છે કે તેમના નામ કોઇ વાત કોઇ વહેતી ન થાય એ કેસેટ એમની પાસે છે એમને કહો તેમાં રઘવાયા ન થાય આ બધું ચાલતું હોય છે. જગતની અંદર બધું આ જ ચાલતું હોય છે કોનું કશું શું તૂટી ગયું
વિનય શાહઃ જો સાંભળો જે.કે. ભટ્ટ સાહેબ છે ને એ બે મહિના પછી રીટાયર થવાના છે તેની બધી માહિતી મારી પાસે છે.
સુરેન્દ્ર રાજપુતઃ એના પાસે જે છે એ બધું કરાવી શકાયને બે મહિનાની અંદર
વિનય શાહઃ એમની બધી માહિતી, રેકોર્ડીંગ મારી પાસે છે, આપણે તે માહિતી બજારમાં મુકી નથી.
સુરેન્દ્ર રાજપુતઃ અત્યારે ન મુકાય એ આપણા માટે પ્લસ છે.
વિનય શાહઃ આપણા માટે પ્લસ છે એટલે મુકી નથી
સુરેન્દ્ર રાજપુતઃ એવું છે એટલે આપણે બે જણા બેસીશું એ લોકો ટ્રેપ કરે છે. એ વાત વાયરલ થાય તો આપણે તો
વિનય શાહઃ વાઇરલ શું કામ થાય છે સરકારી નોકરીયાત છે કમિશનર લેવલના માણસ છે, આપણા થકી એમને પૈસા આપ્યા છે આપણા પૈસાનો એમણે ઉપયોગ નથી કર્યો દૂરપયોગ કર્યો છે. આપણા પૈસાથી મારું નામ સ્વુપ્નિલ ભાઇ,તમારુ નામ ઉછાળ્યુ છે. આપણે ***નથી.
સુરેન્દ્ર રાજપુતઃ હમ…
વિનય શાહઃ એ માણસ જે હોય એ. કે. ભટ્ટ ભાઇ જે હોય તે હોય એને બે મહિનાનુ રિટાયરમેન્ટ છે, મને બધી ખબર છે. બધી માહિતી મારી પાસે છે.હું જ્યારે બહાર આવીશને હિસાબ કીતાબ પુરા નહીં કરે તો આપણે નહીં છોડીએ તમે સમજી લેજો હું નહી છોડું હું ભલે જેલમાં જઉ બધી માહિતી એ રીતે સેફમાં મુકી છે એ ભાઇને હું નહીં છોડું કારણ કે ૯૦ લાખ રુપિયા આપ્યા છે નાના પૈસા નથી આપ્યા.
વિનય શાહઃ સાંભળી લો ૯૦ લાખ રુપિયા જે.કે. ભટ્ટ સાહેબને આપ્યા છે એને હું છોડું નહીં, કારણકે એને જે કરવાનુ હતું તેણે આપણા જ પૈસાથી આપણી ગેમ બજાવી છે. આ સત્ય છે સમજી લેજો.
સુરેન્દ્ર રાજપુતઃ આપણે પછી વાત કરીશું

સીઆઈડી ક્રાઈમ હરકતમાં : વિનય શાહની થલતેજ ઓફિસે તપાસ કરાઈ

એક કા ડબલ કરવાની લાલચ આપી રૂા.ર૬૦ કરોડના કૌભાંડ કેસના મુખ્ય સૂત્રધાર વિનય શાહ અને તેની પત્ની ફરાર થઈ ગયા છે. ત્યારે આ સમગ્ર કેસ મામલે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપી છે. ત્યારે સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા આજે વિનય શાહની આર્ચરકેર કંપનીની થલતેજ સ્થિત ઓફિસની તપાસ કરવા પહોંચી હતી. એટલે ગઈકાલે તપાસ સોંપાતાની સાથે આજથી સીઆઈડી ક્રાઈમ હરકતમાં આવી ગઈ છે.

વિનય શાહ બાદ વાડજમાં પણ વધુ એક કૌભાંડ ખુુલ્યું

ગુજરાતમાં એક પછી એક ઠગાઇના કિસ્સા સામે આવી રહ્યા છે. વિનય શાહના કરોડોના કૌભાંડ બાદ કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. વાડજ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ થઇ છે. રોકાણ પર લલચામણુ વળતર આપવાનું કહી લોકો સાથે છેતરપિંડી આચરાઇ હોવાનો આરોપ મૂકાયો છે. આ કંપની સામે ભાવનગર અને છત્તીસગઢમાં પણ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત, દિલ્હી સહિતના રાજ્યમાં છે કિમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓફિસ આવેલી છે. ફરિયાદ દાખલ થતા વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિનય શાહ ટેકનિકલમાં માસ્ટર છે તેણે મારા ખોટા ઓડિયો બનાવ્યા

અમદાવાદ, તા.૧૫
એક કા ડબલના રૂા.ર૬૦ કરોડના કૌભાંડમાં સુરેન્દ્ર રાજપૂત અને તેમના પુત્ર સ્વપ્નિલ રાજપૂતની કૌભાંડી વિનય શાહ સાથેની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આ મામલે સ્વપ્નિલ રાજપૂતે ખુલાસો કરતા કહ્યું છે કે વિનય શાહ ટેકનિકલ માસ્ટર માઈન્ડ છે. તેણે તેના અવાજનો ઉપયોગ કરીને ખોટા ઓડિયો બનાવ્યા છે. તેમણે વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપમાં તેમણે વાતચીત કરી જ નથી, તેવો દાવો કર્યો છે. વધુમાં સ્વપ્નિલ રાજપૂતે કહ્યું કે જો વિનય શાહ પત્ર લખીને અને ઓડિયો ક્લિપ વાયરલ કરીને નેતા, મીડિયા અને પોલીસે પૈસા પડાવ્યા હોવાનું બહાનું આગળ ધરીને છટકવા માંગે છે. હું મારા વકીલ મારફતે લીગલ કાર્યવાહી કરીશ. સરકાર તરફથી આ કેસમાં તપાસ માટે રચાયેલી સીટને પણ પુરેપુરો સહયોગ આપીશ. વિનય શાહના કરોડોના કૌભાંડમાં અનેક લોકોની સાથે હું પણ શિકાર બન્યો છું. અમે પણ વિનય શાહને પૈસા આપ્યા હતા. તો વિનય શાહ મારા ઉપર આરોપ લગાવી રહ્યો છે. તો તે આરોપોને સાબિત કરી બતાવે. એમ સ્વપ્નિલ રાજપૂતે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું.